સુરતમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
સુરત: સુરતમાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો હતો જેના પગલે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ હળવા વરસાદની આગાહી વચ્ચે સુરતમાં પડેલા વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. જેના કારણે વહેલી સવારે નોકરી ધંધા અને પોતાના કામ માટે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, ૨૨ તારીખ બાદ ચોમાસાની ઋતુ શરૂ થવા જઈ રહી છે. જાેકે, તે પહેલા આજે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. જેના પગલે સુરત શહેરમાં ગત મોડીરાતથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જે વહેલી સવાર સુધી અવિરત રહ્યું હતું. જેના કારણે શહેરના અનેક રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા.
આ ઉપરાંત છેલ્લા ઘણા દિવસથી વધી રહેલી ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક છવાતા શહેરીજનોને રાહત મળી હતી. જાેકે, વરસાદી માહોલ છવાતાં શહેરના વરાછા વિસ્તારમાં અર્ચના ખાડી પાસે પાણી ભરાઈ જવા પામ્યા હતા. ખાડી પાસે રોડ પર ખાડીનાં પાણી ભરાઇ જતા રસ્તા પરની ગટરો બ્લોક થઇ ગઇ હતી. જેના કારણે પાણીનો નિકાલ ન થઇ શકતા પાણીનો ભરાવો વધ્યો હતો. જેના પગલે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદના પગલે શહેરમાં વહેલી સવારે નોકરી ધંધા માટે જતાં લોકો ને પણ થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે તે પહેલા જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. જે કેટલાક વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પાલિકાની પ્રિમોન્સુન કામગીરી પર સવાલ ઉભા થવા પામ્યા છે. પહેલા વરસાદને લઈને મહા નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી છતી થવા પામી હતી. આજ પરિસ્થિતિ રહી તો આગામી દિવસમાં આવનારા વરસાદને લઇ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.