સુરતમાં ધોરણ 11ની વિદ્યાર્થિનીને ગર્ભવતી બનાવનાર યુવક ઝડપાયો
સુરત, સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પેટમાં દુખાવો ઉપાડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, તે 6 માસથી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ તેને હોટલમાં લઈ જઈને શરીર સંબંધ બાંધતાં તે ગર્ભવતી થઇ હતી.
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને તેના જ વિસ્તારમાં રહેતો વિનોદ ચિરજીલાલ કેશરવાની સાથે પ્રેમસંબંધ હતો, જેની જાણ કિશોરીના પરિવારને થઇ હતી અને વિનોદને કિશોરીથી દૂર રહેવા તાકીદ કરી હતી. તેમ છતાં વિનોદ કિશોરી સાથે ચોરીછૂપીથી ફોન પર વાત કરતો હતો. જોકે મકાનમાલિકે વિનોદને ઘર ખાલી કરાવી દેતાં તે બીજે રહેવા ચાલ્યો ગયો હતો. દરમિયાન ચાર દિવસ અગાઉ કિશોરીને પેટમાં અચાનક દુખાવો ઉપાડ્યો હતો, જેથી તેની માતા તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઈ હતી, જ્યાં તેને છ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું, જેથી પરિવારજનો ચોંકી ઊઠ્યાં હતાં.
આ મામલે કિશોરીની પૂછપરછ કરતાં પોતે સિલાઈ કામ શીખવા જતી હતી એ વેળાએ વિનોદ તેને પાંડેસરા ખાતે આવેલી એક હોટલમાં લઇ જઈને શરીર સંબંધ બાંધ્યો હતો, જેથી આ મામલે પરિવારજનોએ પાંડેસરા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિનોદ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી મધ્યપ્રદેશથી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પીડિત સગીરાએ ત્રણ દિવસ પહેલાં જણાવ્યું હતું કે મને ખબર જ નથી કે હું ગર્ભવતી ક્યારે બની ગઈ, હું ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરું છું, મારે એક નાનો ભાઈ છે. પિતા મિલના કર્મચારી છે. અમે યુપીના રહેવાસી છે. 5 મહિના પહેલાં હું ઘરે અને શાળા જતા વચ્ચે એક યુવકના પરિચયમાં આવી હતી.
ત્યાર બાદ તેના પ્રેમમાં પાગલ બની હતી. મારા પિતા મારા ગર્ભથી અજાણ છે. પિતા ગુસ્સાવાળા છે. હું તે યુવકને ખૂબ પ્રેમ કરું છું. મારા પિતાને ખબર પડશે તો તેઓ તેને મારશે, મને નથી ખબર, મારાથી કેમ આવી ભૂલ થઈ ગઈ. સગીરાએ પરિવારજનો અને પોલીસને પણ ગોળગોળ જવાબ આપ્યા હતા.