સુરતમાં પાલિકાનું ૩૧૬ કરોડના વધારા સાથે ૭૨૮૬.૫૮ કરોડનું બજેટ મંજૂર કરાયું
સુરત, સુરત મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા અગાઉ રજૂ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટને સ્થાયીની મંજૂરી મળી છે. પાલિકાના ૬૯૭૦ કરોડના નાણાકીય વર્ષના બજેટમાં સ્થાયી દ્વારા સુધારો કરી ૭૨૮૬.૫૮ કરોડ કરવામાં આવ્યું છે. જેથી કોર્પોરેશન દ્વારા આવક ઊભી કરવા માટે મથામણ કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યો હતો તેમાં સુધારો કરીને શાસક પક્ષ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ પ્રાથમિક સુવિધા અને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કેનાલ બીઆરટીએસ રૂટ ઉપર સોલાર પેનલ અને જાહેરાતના હોર્ડિંગ્સ લગાવીને કોર્પોરેશન આવક ઊભી કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ એમજીવી ગ્રીન એનર્જી ઓછી કરવા માટેનું આહવાન કર્યું છે તે સંદર્ભમાં કોર્પોરેશન કેટલાક મહત્વપૂર્ણ ર્નિણય લઇ રહી છે. બીઆરટીએસ રૂટ પર ૧૦ એમજીવી સોલાર થકી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. પ્રાયોગિક ધોરણે આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ આગામી જરૂર છે તેના ઉપર પણ ધીરે ધીરે લોકભાગીદારી થકી સોલાર પેનલ ગોઠવવામાં આવશે.
વોટર હાવેર્સ્ટિંગ માટે અમૃત ૨.૦ યોજના હેઠળ હાવેર્સ્ટિંગની કામગીરી ઝડપથી કરવામાં આવશે. તેના માટે અલાયદી નીતિ ઘડવામાં આવી રહી છે. દરેક ઝોનમાં લોકભાગીદારીથી કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ગાર્ડન વગેરેનું નિર્માણ કરવામાં આવે તે દિશામાં કામ કરવામાં આવશે. કોરોનાકાળ દરમિયાન સ્મશાન ગૃહની જર્જરિત સ્થિતિ હતી તેને સુધારવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત લોખંડની ભરતી અને ગેસ ચેમ્બર તૈયાર કરવામાં આવશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું તેમજ સુમન શાળાનું શૈક્ષણિક સ્તર વધે તેના માટે આધુનિક શાળાઓ તૈયાર કરવામાં આવશે. જે શાળાઓ છે તેનામાં વધુ વર્ગખંડોની વ્યવસ્થા કરીને કુલ ૯૦ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવનાર છે. દરેક ઝોનમાં એક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા અને એક સુમન શાળા તૈયાર થાય તે પ્રકારથી કામ કરવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના તમામ વિદ્યાર્થીઓનો એક સરખો યુનિફોર્મ રહે તેના માટે પણ ખર્ચ કરવામાં આવશે.HS