સુરતમાં પ્રસુતાએ કસુવાવડમાં ત્રણ દીકરીઓને જન્મ આપ્યાના ગણતરીના કલાકોમાં મોત
સુરત: અંકલેશ્વરની એક પ્રસુતાએ કસુવાવડમાં ત્રણ દીકરીઓને જન્મ આપ્યા બાદ ત્રણેય માસૂમ દીકરીઓના ગણતરીના કલાકોમાં જ મોત નીપજ્યાં હતાં. ત્રણેય માસૂમ દિકરીઓને શ્વાસની તકલીફ હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. ગત દિવાળી પર પતિના મૃત્યુના ૪ મહિનામાં જ કસુવાવડે જન્મેલી દીકરીઓના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ઉષાબેનના ૭ વર્ષના લગ્ન જીવનમાં પ્રથમ દીકરાના જન્મ બાદ બીજીવાર સગર્ભા બન્યા હતા. આજે પ્રસુતિની પીડા ઉપડતા ઉષાબેનને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અજય રાઠોડ (મૃતક દીકરીઓના મામા)એ જણાવ્યું હતું કે, દુખની વાત એ છે કે, આઠમો મહિનો ચાલી રહ્યો હતો. આજે અચાનક પ્રસુતિની પીડા ઉપડતા બહેન ઉષાને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં ઉષાએ ત્રણ બાળકીઓને જન્મ આપ્યો હોવાનું સાંભળી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. જાેકે, થોડીવાર બાદ ડોક્ટરોએ કહ્યું કે, ત્રણેય દીકરીઓનું વજન ઓછું છે અને શ્વાસની તકલીફ છે. જેથી ત્રણેય દીકરીઓને કાચની પેટીમાં મૂકવાની ફરજ પડશે એમ કહેતા તેઓ બાળકોના ડોક્ટરો પાસે ગયા હતા. જ્યાં એક બાળકીના એક દિવસના ૭૫૦૦નો ખર્ચ કહેતા તેઓ ચોંકી ગયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલ લઈ જવાનું કહેતા તેઓ સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ હોસ્પિટલ લાવી રહ્યા હતા. સુરત સિવિલ હોસ્પિટલ પહોંચતા જ ટ્રોમા સેન્ટરના તબીબોએ ત્રણેય દીકરીઓને મૃત જાહેર કરી હતી. આ બાબતથી હજી પ્રસુતાગ્રસ્ત ઉષાને જાણ કરાઈ નથી. હાલ ૮ માસે જન્મેલી ત્રણેય માસૂમ બહેનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ આવશે પછી મૃતદેહ આપીશું.
વધુમાં કહ્યું હતું કે, બહેન ઉષાના લગ્ન ૭ વર્ષ પહેલાં થયા હતા. પ્રથમ પ્રસુતિમાં ઉષાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. પતિ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. જાેકે, લિવરની બીમારીને કારણે ૫ વર્ષના પુત્ર અને ૨૬ વર્ષની ગર્ભવતી પત્નીને છોડી મહેશ પાટડિયા (ઉષાના પતિ)નું ગત દિવાળી સમયે જ મોત થયું હતું. ત્યારબાદ ૪ મહિનામાં જ ઉષાએ તેના ગર્ભમાં ઉછરી રહેલી ત્રણેય દીકરીઓને ગુમાવી છે.