સુરતમાં ફટકા મારી યુવકની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ
સુરત: સુરતમાં વરાછામાં મોબલિંચીંગની ઘટના આવી સામે એક યુવાન ચોરીના વહેમ રાખીને એટલી હદે મારવામાં આવ્યો કે જેના કારણે તેનું મોત થયું છે જોકે યુવકની લાશ માંડ્યા બાદ પોલીસે આ યુવાનું પીએમ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. યુવાન લાશ મળી હતી
તે વિસ્તારના સીસીટીવી ચેક કરતા યુવાને માર મારવાની ઘટના સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આમ એક અજાણી લાશ મળ્યા બાદ પોલીસની પ્રાથમિક તપાસમાં જ મોબ લિંચિંગ જેવી વિકૃત ઘટનાનો પર્દાફાશ થયો છે. જોકે, સુરત શહેરમાં છાશવારે થતી હત્યાઓમાં વધુ એક હત્યાનો વરાછા વિસ્તારમાં ઉમેરો થયો છે.
બનાવની વિગત એવી છે કે શહેરના પુણાની હદ્દમાં સરદાર માર્કેટના ગેટ પાસે ૨૨ તારીખે એક અજાણ્યા ૨૫ વર્ષીય યુવકની લાશ મળી હતી. પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી લોકોની પૂછપરછ તેમજ સીસીટીવીના ફુટેજ તપાસ્યા હતા.
એટીસી નામની ફળની દુકાનના સીસી કેમેરા તપાસતા કેટલાક લોકો અજાણ્યાને ટેમ્પોમાં લાવી દુકાનમાં ઘસડીને લઈ જાય છે. ત્યાં ગોંધી રાખીને કેટલાક લોકો તેને ઢોર માર મારે છે. લાકડાના ફટકા મારતો દેખાતો યુવક અનિશ અબુબકર મેમણ(રહે. હિરા પન્ના એપાર્ટમેન્ટ,તરસાડી,કોસંબા) છે.
અજાણ્યા યુવકને અનિશ સહિતનાઓએ માર મારીને દુકાન બહાર મોકલી દે છે. દુકાનમાં પડેલું લોહી સાફ કરી નાંખે છે. ત્યાર બાદ મરનાર ચાલતા-ચાલતા આગળ જતા તે બ્રિજસ્ટન દમાવંદ ઓટો પાવર દુકાન પાસે પડી જતાં મોત નિપજે છે. મરનારના પીએમમાં ખબર પડી કે, બ્રેઈન હેમરેજ તેમજ ૨૧ ઇજાના નિશાનથી તેનું મોત નિપજ્યું છે. જે દુકાનમાં અજાણ્યાને માર મારવામાં આવ્યો તે દુકાન માલિક રાકેશ મિતલે ૨૦ દિવસ પહેલા જ અનિસ મેમણને ભાડે આપી હતી.
યુવકે ચોરી કરી હોવાની શંકાએ અનિસે રાકેશને ફોન કરી દુકાન પર બોલાવ્યો હતો. ત્યારે રાકેશે આવી અનીસને પોલીસને જાણ કરવા જણાવ્યું હતું. વરાછા પોલીસે અનિસ મેમણ અને તેની સાથીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. વરાછા અને પૂણા પોલીસ વચ્ચે હદના મુદ્દે ગુનો દાખલ થવામાં વિલંબ થયો હતો. આમ સુરત શહેરમાં હત્યાનો સિલિસિલો યથાવત રહ્યો છે, વધુ એક તકરારામાં એક નિર્દોશ યુવકની હત્યા કરી નાંખવામાં આવી છે, ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાના રોજે રોજે તાયફા થઈ રહ્યા છે. પોલીસ જો ક઼ડક પગલાં નહીં ભરે આગામી દિવસોમાં સ્થિતિ વણસે તેવી વકી છે.