સુરતમાં ફાયર વિભાગના ૨૪ કર્મચારી કોરોનાગ્રસ્ત
સુરત: કોવિડ-૧૯ની કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ ઉપરાંત મનપાની ફાયર વિભાગની કામગીરી પણ કાબિલે તારીફ રહી છે. શહેરમાં કોરોનાનાં પ્રથમ દિવસથી અત્યાર સુધી ફાયર વિભાગ દ્વારા પોઝિટિવ કેસ ધરાવતી મિલકત, આસપાસના રોડ-વિસ્તારો, વિવિધ આરોગ્ય સેન્ટર, સમરસ સેન્ટર, વિવિધ સરકારી હોસ્પિટલ, કોવિડ સેમ્પલ કલેક્શન સેન્ટર, શાકભાજી માર્કેટો, વિવિધ સરકારી ઇમારતો, ટેક્ષ્ટાઇલ માર્કેટો વગેરે સહિત અત્યાર સુધી ૫.૨૭ લાખ મિલકત, વિસ્તારોમાં સેનિટાઇઝની કામગીરી કરવામાં આવી છે.
સેનેટાઇઝની કામગીરી ઉપરાંત ફાયર વિભાગ દ્વારા પોતાની મૂળ કામગીરીમાં પણ કોઇ જ ઘટાડો થયો નથી. રાઉન્ડ ધ ક્લોક કોવિડ દરદીઓ, જાહેર મિલકતો, કોવિડ દરદીઓ સાથે સંકળાયેલ મિલકતોનું સેનિટાઇઝ અને હવે કોવિડના દરદીઓની મૃત્યું બાદ અંતિમ સંસ્કારની કામગીરીમાં પણ જાતરાયેલ ફાયર વિભાગના કુલ સ્ટાફ પૈકી અત્યાર સુધી ૨૪ અધિકારી/કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. જે પૈકી ડીંડોલી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર સંજય સોનવણેનું કોરોનાના કારણે અવસાન પતણ થયું છે.
ફાયર વિભાગના હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ ડે. કમિ એનવી ઉપાધ્યાય કોરોનાગ્રસ્ત હતા , જેઓ સારા થઇ પરત કામ પર ચડયા છે. ફાયર વિભાગના ચાર કર્મચારીઓના પરિવારજનોને પોઝિટિવ આવતાં ચાર કર્મચારીઓને ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે. મનપાના કર્મચારીઓમાં સંક્રમણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. સામન્ય રીતે કોરોના ની કામગીરી બાબતે ફાયર વિભાગની કામગીરીની નોધ કોઈ નથી લેતું.
પરંતુ હાલમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતેના સંચાલન પણ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવે છે. તેમજ ભાડે લેવામાં આવેલી એમ્બ્યુલન્સ નું સંચાલન પણ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવે છે. આજે સુરત શહેર ભાજપના પ્રમુખ નીતીન ભજીયાવાલા અને તેમની પત્નીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એ ઉપરાંત કપડાની દુકાન , ટેક્ષટાઇલ માર્રેટના કર્મચારી , કલેકટર ઓફિસના કલાર્ક , ઇરીગેશન વિભાગના કર્મચારી ,ટીચર , રીક્ષા ડ્રાઇવર સહિત અનેકના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.