સુરતમાં ફ્રી ફાયર ગેમમાં રૂપિયા ખર્ચાઈ જતાં ૧૩ વર્ષનો તરૂણ ઘર છોડી ગયો
સુરત, પાંડેસરામાં ફ્રી ફાયર ગેમ રમવાના ચક્કરમાં ઘો-૭માં અભ્યાસ કરતા ૧૩ વર્ષના વિદ્યાર્થીએ માતાના બેંક ખાતામાંથી ગેમમાં ઓનલાઇન રૂપિયા વાપરી નાખતા ડરને કારણે ઘર છોડી ચાલી ગયો હતો. પરિવારે પાંડેસરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.
સીસીટીવી કેમેરામાં ૧૩ વર્ષનો તરુણ પાંડેસરા તેરેનામ ચોક્ડી પાસેથી જતો દેખાય છે. મૂળ યુપીના અને પાંડેસરા તેરેનામ રોડ પર રહેતા તેમજ મીલમાં ડાંઇગ પ્રિન્ટીંગનું કામ કરતા ૩૫ વર્ષીય યુવકનો ૧૩ વર્ષનો પુત્ર બીજી તારીખે બપોરે ૩ વાગ્યે ઘરેથી ચાલી ગયો હતો.
પહેલી તારીખે માતાનો બેંકમાં રૂ. ૫૮૫૩ પગાર જમા થયો હતો અને બીજા છ હજાર ખાતામાં હતા. જાે કે બેલેન્સ ચેક કરતા રૂ.૫૯૩૩ બતાવતું હતું. આથી બીજી તારીખે માતા-પિતા બેંકમાં બેલેન્સ ચેક કરવા ગયા હતા. આ વાતની ૧૩ વર્ષના પુત્રને ખબર પડી હતી.
ઓનલાઇન ગેમ માટે ફોન પેથી માતાના ખાતામાંથી રૂપિયા ખર્ચયા હોવાથી ઘરેથી જતો રહ્યો હતો. કોરોનાને કારણે ઓનલાઇન શિક્ષણ હોવાથી માતાએ પુત્રને મોબાઇલ આપ્યો હતો. જેમાં ઓનલાઇન બેંક ખાતાની એપ હતી.
૧૩ વર્ષના તરુણે તેના ૮ વર્ષના ભાઈને કહ્યું કે, આ બેંકમાંથી પૈસા ગેમ માટે મે વાપરેલા છે અને મારા કારણે ઘરમાં બધા હેરાન થાય છે, જેથી હું ઘરેથી જતો રહું છું, એમ કહી નીકળી ગયો હતો. નાનાભાઈએ રોકવા પ્રયાસ કર્યો જાે કે રોકાયો ન હતો. રાહુલ નામના દુકાનદાર પાસેથી તરુણ મોબાઇલમાં ગેમ રમવા પૈસા ભરવા જતો હતો. પિતાએ દુકાનદારને પુત્રને ગેમ રમવા ન દેવા જણાવ્યું હતું.HS