સુરતમાં બાકી નીકળતા અઢી લાખ આપવાના બહાને રત્નકલાકારની હત્યા
સુરત: સુરત શહેરના કતારગામ સંતોષી નગર નજીક નશામાં ચૂર ટપોરીએ રત્નકલાકારને ફટકારી માથામાં કાચની બોટલ મારી હત્યા કરી ભાગી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ બાકી નીકળતા અઢી લાખ આપવાના બહાને બોલાવી આરોપી પ્રશાંતે સંજયને પતાવી દીધો હોવાનું જાણવા મળ્યું છે. કતારગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
દિપક વાણિયા (મૃતક ના ભાઈ) એ જણાવ્યું હતું કે, સંજય રત્નકલાકાર તરીકે કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદ રૂપ થતો હતો. મૂળ ભાવનગર મોઢેશ્વરી ના રહેવાસી છીએ, વર્ષોથી સુરતમાં રહી ને રોજગારી મેળવી રહ્યા છે. ત્રણ પરિણીત બહેનો બે ભાઈ અને માતા-પિતા એમ ૭ જણાનું પરિવાર છે. પ્રશાંતે બુધવારની સાંજે સંજયને આયોજન પૂર્વક બોલાવ્યો હતો. દારૂના નશામાં ચૂર પ્રશાંતે બાકી નીકળતા રૂપિયા નહીં આપવા પડે એ માટે ભાઈ સંજય પર હુમલો કરી માથામાં કાચની બોટલ મારી હત્યા કરી છે.
વધુમાં જણાવ્યું હતું કે, સંજયએ લગભગ અઢી વર્ષ પહેલાં પ્રશાંતને અઢી લાખ રૂપિયા આપ્યા હતા. એ બાબતે સંજય વારંવાર ઉઘરાણી કરતો હતો. આ બાબતે બોલાચાલી પણ થઈ ગઈ હતી. જેની અદાવત રાખી પ્રશાંતે સંજયને મારી નાખ્યો છે.
લગભગ ગત રોજ સાંજે ૬ઃ૩૦ વાગ્યાની આજુબાજુ સંજયની હત્યા થયા બાદ ૭ઃ૨૦ સાંજે પરિવારને ખબર પડી હતી. ઘટના સ્થળે પોલીસ પણ આવી ગઈ હતી. તમામ પ્રકાર ની કાર્યવાહી અને નિવેદન લીધા બાદ જાણવા મળ્યુ હતું કે સંજયના ગળા અને હાથ પરથી ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. હાલ કતારગામ પોલીસ આગળ ની તપાસ કરી રહ્યા છે.આ ઘટનાથી ચકચાર મચી છે.