સુરતમાં બિલ્ડર-ફાઈનાન્સર પર દરોડામાં ૧૦૦ કરોડના બેનામી વ્યવહારો મળ્યા
બેનામી હિસાબોનો તાળો મેળવવા આઈટીની તપાસ શરૂ
સુરત, શહેરના પાંચ બિલ્ડર અને ફાયનાન્સરને ત્યાં શુક્રવારથી પાડવામાં આવેલા દરોડામાં ૧૦૦ કરોડથી વધુના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. કારણ કે જમીનના થયેલા મોટાભાગના સોદાઓમાં ચોપડી પર જે રકમ દર્શાવવામાં આવી હતી તે પૈકી મોટાભાગની રકમ રીટર્નમાં દર્શાવી નહીં હોવાના કારણે હાલ તો ઈન્કમટેકસની ડીઆઈ વિંગે તપાસ શરુ કરી છે.
તેમજ ૪૦ સ્થળો પર પાડવામાં આવેલા દરોડા પૈકી ૩પ સ્થળો પર દરોડાના ચોથા દિવસે તપાસ પુરી થઈ હોવાની વિગતો જાણવા મળી છે.
ઈન્કમટેકસની ડીઆઈ વિંગે સંગીની ગૃપ, અરીહંત ગૃપ, અશેષ શાહ, મહેન્દ્ર ચંપકગૃપ, કિરણ સંઘવી, હોમલેન્ડ ગૃપ પર શુક્રવારે વહેલી સવારે દરોડા પાડયા હતા. આ દરોડામાં સુરત ડીઆઈ વિંગની સાથે સાથે અમદાવાદના મળી કુલ્લે ૭૦ અધિકારીઓની ટીમ જાેડાઈ હતી.
સતત ચાર દિવસથી ચાલી રહેલી તપાસમાં ૪૦ સ્થળો પૈકી ૩પ સ્થળો પર તપાસ પૂરી કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન ૧૦૦ કરોડથી વધુના બેનામી વ્યવહારો મળી આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. કારણ કે બિલ્ડરો દ્વારા ખરીદવામાં આવેલી જમીન તેમજ વેચવામાં આવેલી દુકાન, ઓફિસ અને ઘરમાં જંત્રીના ભાવ પ્રમાણેની જ રકમ ચોપડા પર દર્શાવી છે, જયારે તે સિવાયની રકમ બ્લેકમાં લીધી હોવાનું બહાર આવ્યું છે.