સુરતમાં બીઆરટીએસની બસોની સંખ્યામાં વધારો કરાયો
સુરત: સુરત શહેરમાં કોરોના વાયરસના નવા કેસ સાથે એક્ટીવ કેસની સંખ્યામાં થઇ રહેલ ઘટાડો થતા બીઆરટીએસ બસની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. બીઆરટીએસ બસ આજે કોઈ પણ શહેરમાં વસતા શહેરીજનો માટે મહત્વ ધરાવે છે. એક તો ટ્રાફિક વગર અને સમયસર પહોંચાડવામાં મદદરૂપ થતી હોય છે,
પરંતુ કોરોનાનું સંક્રમણ વધુ હોવાથી બીઆરટીએસ બસ ઓછી રસ્તા પર દોડતી દેખાઈ છે, પરંતુ સુરત મહાનગર પાલિકા દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે કે હવે ૧૧૭ બસ વધુ શરૂ કરવામાં આવી છે. આમ હવે સુરતના રસ્તા પર ૧૫ રૂટ પર સિટી-બીઆરટીએસ મળી કુલ ૨૬૪ બસ દોડતી થઇ ગઇ છે.
હાલમાં ઉધના દરવાજાથી સચિન જીઆઈડીસી, ઓએનજીસી કોલોનીથી સરથાણા નેચરપાર્ક,પાલ આરટીઓથી કોસાડ, સોમેશ્વર જંક્શનથી અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક, ગજેરા સર્કલથી ડિંડોલી વારી ગૃહ, પાલ આરટીઓથી કામરેજ ટર્મિનલ, રેલવે સ્ટેશનથી ઉત્રાણ આર.ઓ.બી, રેલવે સ્ટેશનથી કડોદરા, કોસાડથી ખરવરનગર, જહાંગીરપુરા કોમ્યુનિટી હોલથી પાંડેસરા જીઆઇડીસી, કોસાડથી સરથાણા નેચરપાર્ક, કામરેજ ટર્મિનલથી સચિન રેલવે સ્ટેશન આ ૧૨ બીઆરટીએસ રૂટ પર સિટી અને બીઆરટીએસ મળી ૨૩૫ બસ દોડાવવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં સિટી બસ સેવાના બાકી રહેલા રૂટો પર તબક્કાવાર બસો શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે,સુરત મહાનગર પાલિકા દ્વારા કુલ ૪૫ સિટી બસ રૂટ પર કુલ ૫૭૫ સિટી બસ અને કુલ ૧૨ બીઆરટીએસ રૂટ પર ૧૬૬ બસ ચલાવવામાં આવે છે.