સુરતમાં બે દિવસમાં ૩૦૦ કાર્યકરો આપમાં જાેડાયા
સુરત: ગુજરાતમાં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત પાલિકામાં સફળતા પ્રાપ્ત કરીને આમ આદમી પાર્ટી અત્યારે વિરોધ પક્ષમાં બેઠી છે. વિરોધ પક્ષમાં હોવાની સાથે આમ આદમી પાર્ટી ભાજપ માટે ચિંતાનો વિષય બની રહી છે. સુરતમાં પાછલા થોડાક જ દિવસોમાં ભાજપના સક્રિય કાર્યકર્તાઓ પાર્ટી છોડીને આપ સાથે જાેડાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પાછલા બે જ દિવસમાં ૩૦૦ જેટલા કાર્યકરોએ ભાજપનો સાથ છોડ્યો છે. અહીં નોંધનીય બાબત એ છે કે ગુજરાતના ભાજપના પાર્ટી અધ્યક્ષ સી.આર.પાટીલ સુરતના છે.
તેમ છતાં આ પ્રકારે મોટી સંખ્યામાં કાર્યકરોએ છેડો ફાડવો એ ચોક્કસપણે વિચારવાલાયક બાબત છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત બની રહી છે. પાર્ટીનું કહેવું છે કે તેમની રાજનીતિથી પ્રભાવિત થઈને કાર્યકરો તેમની સાથે જાેડાઈ રહ્યા છે અને આ પ્રક્રિયા ચાલુ રહેશે. આ સમગ્ર બાબતે સુરત શહેરના ભાજપ પ્રમુખ જણાવે છે કે, કાર્યકરો પાર્ટી છોડીને ગયા તે બાબત અમારા ધ્યાનમાં આવી છે. અમે તેની પાછળના કારણો જાણીને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું.
સુરત શહેરમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સમયની સાથે વધી રહ્યું છે. લોકોના પ્રશ્નોને વાચા આપવાને કારણે લોકોમાં પાર્ટી પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. અને આ જ સ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં સક્રિય કાર્યકરો ભાજપ છોડીને આપમાં જાેડાયા તે ભાજપ માટે મોટો ચિંતાનો વિષય બન્યો છે. ૩૦૦માંથી ૨૦૦ કાર્યકરો તો માત્ર કામરેજ વિધાનસભા મતવિસ્તારના છે. આ સિવાય અન્ય સો જેટલા કાર્યકરો ખટોદરા વિસ્તારના છે.