Western Times News

Gujarati News

સુરતમાં બે સાઢુભાઈ વચ્ચેના ઝઘડામાં એકનું મોત નિપજ્યું

સુરત, રાજ્યમાં આજે હત્યાની વિવિધ બનાવો સામે આવી રહ્યા છે. જેમાં રાજકોટમાં ફાયરિંગમાં એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, તો સુરતના કામરેજ તાલુકાના ઉંભેળ ગામ ખાતે બે સાઢુ વચ્ચે થયેલા ઝઘડામાં એકનું મોત થયું છે. હનુમાન મંદિરમાં ખૂની ખેલ ખેલાયો હતો.

મળતી માહિતી પ્રમાણે બે સગા સાઢુભાઈ વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડાએ વરવું સ્વરૂપ ધારણ કરતા બંનેમાંથી એકે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં એક સાઢુભાઈનું મોત થયું હતું. બંને વચ્ચે ઝઘડાને જાેઈને મંદિરના પૂજારી પણ છોડાવવા દોડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે પૂજારીને પણ ઈજા પહોંચી છે.

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ ગામ ખાતે આ ખૂની ખેલ ખેલાયો હતો. ઉંભેળ ગામ ખાતે હનુમાનજીનું મંદિર આવેલું છે. અહીં બે સાઢુભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. રિપોર્ટ પ્રમાણે પારિવારિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા એક સાઢુએ બીજાના પેટમાં તીક્ષ્ણ હથિયારનો ઘા મારી દીધો હતો. મંદિર પરિસરમાં જ બે વ્યક્તિને લડતા જાેઈને મંદિરના પૂજારી ઝઘડો શાંત કરવા માટે વચ્ચે પડ્યા હતા.

આ દરમિયાન તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે સુરતની સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અંગે એવી વિગતો સાંપડી છે કે મૂળ ઉત્તર પ્રદેશના નિવાસી સિપાહીલાલ રામદૂત તિવારી અને તેનો સાઢુ શિવલાલ લલન પાંડે મોડીરાત્રે ઉંભેળ ગામ ખાતે આવેલા સૂર્યમુખી હનુમાજી મંદિર ખાતે આવ્યા હતા. બંને પરિવારમાં ચાલી રહેલા ઝઘડાને લઈને વાતચીત કરી રહ્યા હતા.

એક સમયે વાત વણસી જતાં બંને વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. આ દરમિયાન શિવલાલ પાંડેએ પોતાના સગા સાઢુ સિપાહીલાલ તિવારી પર હુમલો કરી દીધો હતો, તેમજ તેની પાસે રહેલું તીક્ષ્ણ હથિયાર તેના પેટમાં ભોંકી દીધું હતું. આ દ્રશ્ય જાેઈને મંદિરના પૂજારી પુન્દ્રીક મિશ્રા વચ્ચે પડ્યા હતા.

આ દરમિયાન પૂજારી પણ ઇજાગ્રસ્ત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. મળતી માહિતી પ્રમાણે સિપાહીલાલનું મંદિર પરિસરમાં જ મોત થયું હતું. બનાવની જાણ થયા બાદ સુરત જિલ્લા એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને હત્યાનો ભેદ ઉકેલવાની કાર્યવાહી આરંભી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.