Western Times News

Gujarati News

સુરતમાં ભૂજવાળી: ફીટનેસ ટેસ્ટના નામે મહિલાઓના કપડા ઉતારાયા

સુરત, ભૂજ ગર્લ્સ કોલેજમાં ૬૮ છોકરીઓ માસિક ધર્મમાં છે કે નહિં તેની તપાસ માટે સંપૂર્ણ રીતે નગ્ન કરવા અંગેનો વિવાદ હજુ ઠંડો નથી પડયો ત્યાં વધુ એક આ પ્રકારનો મામલો સામે આવ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના એક અહેવાલ અનુસાર ગઈકાલે સુરત મહાનગરપાલિકાની એક હોસ્પીટલમાં મહિલા ટ્રેઈની કલાર્કને ગાયનોકોલોજીકલ ફીગર ટેસ્ટ માટે નગ્ન કરી ઉભા રાખવામાં આવ્યા હોવાનો આરોપ છે. હંગામી કર્મચારીઓને કાયમી કરવા માટે લેવાતી ટેસ્ટમાં મહિલા કલાર્કને નિર્વસ્ત્ર કરવામાં આવી હતી. આ શરમજનક ઘટના અંગે સુરત મહાનગરપાલિકા યુનિયન દ્વારા મ્યુ. કમિશ્નરને કરવામાં આવેલ ફરીયાદ અનુસાર ૧૦૦ કર્મચારીઓને અનિવાર્ય ફીટનેસ ટેસ્ટ માટે સુરત મહાનગરપાલિકા ચિકિત્સા, શિક્ષા અને અનુસંધાન સંસ્થામાં બોલાવવામાં આવી હતી.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુ કે મહિલા કર્મચારીઓને ૧૦ રૂમમાં નગ્ન કરી ઉભા રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન રૂમના દરવાજા પણ બંધ નહોતા. માત્ર પડદા લગાવેલા હતા.  આ દરમિયાન ફીગર ટેસ્ટ ઉપરાંત કુંવારી છોકરીઓને વ્યકિતગત સવાલો પૂછવામાં આવ્યા હતા કે શું તેઓ કદી ગર્ભવતી થઈ છે કે નહિં ? અનેક મહિલા ડોકટરો કે જે ટેસ્ટ કરી રહી હતી તેઓએ ખરાબ રીતે વાતો પણ કરી હતી. તો બીજી તરફ પુરૂષ કર્મચારીઓનો ફીટનેસ ટેસ્ટ સાવ અલગ અને સાધારણ હતો. જેમા આઈ ટેસ્ટ, ઈએનટી અને હાર્ટના ટેસ્ટ સામેલ હતા.

અત્રે નોંધનીય છે કે કામના ૩ વર્ષના પ્રોબેશન પીરીયડ બાદ કર્મચારીઓએ ફીટનેસ ટેસ્ટ આપવી ફરજીયાત હોય છે. ૪૦૦માંથી કેટલીક ટ્રેઈની મહિલા કર્મચારીઓ દ્વારા તેમની સાથે થયેલા વ્યવહાર અંગેની ફરીયાદ યુનિયનને કરવામાં આવી હતી. યુનિયનના મહામંત્રી એ.એ. શેખે જણાવ્યુ હતુ કે અમે આ જાણી આશ્ચર્યચકિત થયા હતા અને તૂર્ત અટકાવવાની માંગણી કરી હતી. તેમણે આરોપ મુકયો હતો કે ફીગર ટેસ્ટ કરી રહેલ ડોકટર આડાઅવળા સવાલો પૂછતા હતા અને તેઓ બોલવામાં આછકલાય ધરાવતા હતા.

મળતા અહેવાલો મુજબ અનેક મહિલાઓના કપડા ઉતારી તેમનુ બોડી ચેકઅપ કરાયુ હતું. જેના કારણે તેઓએ શરમ અનુભવી હતી. એટલુ જ નહિ મહિલાઓ પાસેથી ગુપ્ત માહિતી પણ માંગવામાં આવી હતી. જેના કારણે અનેક મહિલાઓ રડી પડી હતી. આ ઘટના બાદ તપાસના આદેશો આપવામાં આવ્યા છે. ગાયનેક વિભાગના હેડ અશ્વિન વાછાણીએ જણાવ્યુ હતુ કે ગાઈડલાયન્સ પ્રમાણે મહિલાઓની ફીઝીકલ તપાસ કરવી તે ફરજીયાત હોય છે, તો બીજી તરફ ૪૫ વર્ષના એક ફીમેલ કર્મચારીએ કહ્યુ હતુ કે મેં ૨૦ વર્ષ પહેલા ફીટનેસ ટેસ્ટ આપી હતી પરંતુ આ પ્રકારની પ્રક્રિયા નહોતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.