સુરતમાં મંદિર પાસે દારૂ પીવાની ના પાડનારા યુવકના હત્યારાને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ઝડપ્યા
![Murder in Bus](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/mus-murder-1-1024x569.jpg)
Files Photo
અમદાવાદ, ગુજરાતમાં રોજે રોજ હત્યાના બનાવો બની રહ્યા છે ત્યારે જ લગભગ અઢી મહિના પહેલા સુરતના છાપરાભાઠા વિસ્તારમાં સની શર્મા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. સનીને છરાના ઘા મારી હત્યા કરનાર મુકેશ ગાયકવાડ અને સાગર દંતાણીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા છે. પુછપરછમાં મંદિર પાસે દારૂ પીવાની ના પાડતા મુકેશ અને સાગરે તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા શહેરમાં ગુનેગારોને ડામી દેવા માટે સખત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે ત્યારે જ ઈન્સ્પેકટર ટંડેલ અને તેમની ટીમના વાય.જી. ગુર્જર એમ.એમ. ગઢવી અને પી.બી.ચૌધરીને બાતમી મળી હતી કે, સુરતમાં એક યુવકની હત્યા કરનારા હત્યારાઓ ફરી રહ્યા છે.
પોલીસે તરત જ મુકેશ ગાયકવાડ અને સાગર દંતાણીને ઝડપી લીધા હતા. તેમની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનાની ર૬ તારીખે તેમણે સુરતમાંથી દારૂની બોટલ ખરીદી હતી અને છાપરાભાઠા ખાતે આવેલા જાેગણી માતાના મંદિર પાસે બેસીને તેઓ દારૂ પીતા હતા ત્યાં આવેલા સની નવલકિશોર શર્મા નામના યુવકે તેમને મંદિર આગળ દારૂ પીવાની ના પાડી હતી.
જે બાબતે બોલાચાલી થતા મુકેશ અને સાગરે પોતાની પાસેની છરી વડે શનિ શર્મા ઉપર હુમલો કરી તેની હત્યા કીર હતી. હત્યા કર્યા બાદ તેઓ સુરતથી ભાગી ગયા હતા. જેમને ક્રાઈમબ્રાંચની ટીમે ઝડપીને અમરોલી પોલીસને હવાલે કરવાની કવાયત આદરી છે.