Western Times News

Gujarati News

સુરતમાં માત્ર સાત મહિનામાં બેંક એજન્ટ અને ભંગારનાં વેપારીએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું

સુરત: સુરતમાં માત્ર સાત મહિનામાં ભંગારનાં વેપારીએ ટ્રાન્જેકશન કર્યા અને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું. જેમાં બેંક એજન્ટ અને તેનો સંર્પક કરાવનારની ધરપકડ કરી બંને ત્રણ દિવસનાં રિમાન્ડ હેઠળ હોવાથી સુરત ઈકો સેલ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રોયલ એન્ટરપ્રાઇઝનાં નામે કરંટ ખાતું ખોલાવ્યું હતું, રૂ. ૨૭ લાખ એકાઉન્ટમાં કયાંથી આવ્યા એમ પુછતા કાર્ટીંગ એજન્ટ ચોંકી ગયો અને તપાસ કરતા ભાંડો ફૂટયો હતો.

સુરતનાં નાના વરાછા ખાતે વીયા એન્ટરપ્રાઇઝ નામે કાર્ટીંગનો ધંધો કરનારનાં આધારકાર્ડ, પાનકાર્ડ અને ફોટાનો ઉપયોગ કરી રીંગરોડની એ.યુ. સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રોયલ એન્ટરપ્રાઇઝ નામે ખાતું ખોલાવી માત્ર ૭ મહિનામાં રૂ. ૧૩.૧૩ કરોડનાં ટ્રાન્જેક્શન કરનાર બેંક એજન્ટ અને ભંગારનાં વેપારી સહિત ત્રણ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે. જેના આધારે સુરત ઈકો સેલ દ્વારા જે પૈકી બેની ધરપકડ કરી પોલીસે ત્રણ દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. નાના વરાછા સ્થિત નીલકંઠ પ્લાઝામાં વીયા એન્ટરપ્રાઇઝ નામે કાર્ટીંગનો ધંધો કરતા રીતેશ નરશી કાપડીયા એ જુલાઇ ૨૦૨૦માં ઓફિસની સામે ચા ની લારી ચલાવતા મુકેશ વલ્લભ ઘાડીયા હસ્તક સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યું હતું.

આ એકાઉન્ટમાં રીતેશે એક પણ ટ્રાન્જેક્શન કર્યુ ન હતું તેમ છતા માર્ચ ૨૦૨૧ માં બેંકમાંથી ફોન આવ્યો હતો કે રોયલ એન્ટરપ્રાઇઝવાળા રીતેશભાઇ બોલો છે, બેંકમાં તમારૂ જે એકાઉન્ટ છે તે ક્લોઝ કરવાનું છે એમ કહી બ્રાંચ મેનેજર ફોર્મ પર સહી કરાવી હતી. પરંતુ એપ્રિલ મહિનામાં રીતેશની ઓફિસે કુરીયર આવ્યું હતું જેમાં એકાઉન્ટ ક્લોઝ થતા વધેલી બેલેન્સનો રૂ. ૪.૩૦ ની રકમનો ચેક હતો. બીજી તરફ બેંકના અધિકારીઓ દ્વારા રોયલ એન્ટરપ્રાઇઝના કરંટ એકાઉન્ટમાં રૂ. ૨૭ લાખ કયાંથી આવ્યા તે અંગે પૂછતા કરતા રીતેશ ચોંકી ગયો હતો અને બેંકમાં તપાસ કરી હતી.

જેમાં જાણવા મળ્યું હતું કે રીતેશનાં આધારકાર્ડ, પાનકાર્ડ અને ફોટાનો ઉપયોગ કરી રોયલ એન્ટરપ્રાઇઝ નામે કરંટ એકાઉન્ટ ખોલાવી સપ્ટેમ્બર ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ દરમિયાન રૂ. ૧૩.૧૩ કરોડનાં ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા. આ એકાઉન્ટ ભાવેશ પેટીગરાએ મુકેશ ઘાડીયાને કમિશનની લાલચ આપી રીતેશ પાસેથી ડોક્યુમેન્ટ્‌સ લઇ ભંગારના વેપારી જાહિદ અનવરહુસૈન શેખે રોયલ એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં આરટીજીએસ, આઇએમપીએસ અને એનઇએફટીથી ટ્રાન્જેક્શન કર્યાનું બહાર આવ્યું હતું.

જેથી રીતેશે ત્રણેય વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા ભાવેશ પેટીગરા અને મુકેશ ધાડીયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ સમક્ષ દલીલો કરી હતી અને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ભાવેશ પેટીગરાએ અન્યના નામે એ.યુ. સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ખાતા ખોલાવી કરોડોના ટ્રાન્જેક્શન કર્યા છે.

એ.યુ સ્મોલ ફાઇનાન્સ બેંકના એજન્ટ તરીકેની ઓળખ આપનાર ભાવેશ પેટીગરા ખરેખર બેંક સાથે સંકળાયેલો છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જાે કે પ્રાથમિક તપાસમાં ભાવેશ પેટીગરાએ ભંગારના વેપારી જાહિદ શેખ સાથે મળી મહેશ અંટાળા અને વિનોદ જસાણીના ડોક્યુમેન્ટ્‌સના આધારે એ.યુ. સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ખુશી એન્ટરપ્રાઇઝ અને વિજય ટ્રેડર્સ નામે એકાઉન્ટ ખોલાવી તેમાં પણ કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કર્યાનું બહાર આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.