Western Times News

Gujarati News

સુરતમાં મૃતકોની સંખ્યા વધતાં સ્મશાનોમાં વેઈટિંગ

ઝડપી ચિતા સળગાવા ઘીના બદલે કેરોસીનનો ઉપયોગ-કોરોના કેવા દિવસો બતાવી રહ્યો છે, અંતિમ ક્રિયામાં પરંપરા મુજબ ઘી તેમજ ચંદનના લાકડાનો ઉપયોગ થાય છે

સુરત, મને ખબર છે આ અપમાનજનક છે પરંતુ અમે શું કરીએ? ચિતામાં લીલા લાકડાનો ઉપયોગ થયો છે અને જાે અમે જ્વલનશીલ પદાર્થ ના વાપરીએ તો લાકડા સળગતા નથી. હું મારા મિત્ર પાસેથી ડીઝલ લઈ આવ્યો છું જેથી ચિતા યોગ્ય રીતે સળગી શકે, આ શબ્દો છે ઉધના વિસ્તારમાં રહેતા અર્જુન પટેલના. પ્લાસ્ટિકના એક ડબ્બામાંથી ચિતા પર કંઈક પ્રવાહી છાંટતા તેમણે જણાવ્યું કે તેમના પરિવારજનોએ આ ચિતા રામનાથ ઘેલા સ્મશાન પાસે આવેલા ખુલ્લા મેદાનમાં તૈયાર કરી હતી.

લાકડા સંપૂર્ણપણે સૂકાયા નથી અને જાે તેના પર કોઈ જ્વલનશીલ પદાર્થ ના છાંટીએ તો સળગતા નથી, તેમ અર્જુન પટેલે ઉમેર્યું. એટલું જ નહીં રામનાથ ઘેલા સ્મશાનમાં ઝડપથી ચિતા સળગી જાય તે માટે કેરોસીનના કન્ટેનર લાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે અંતિમ ક્રિયા માટે ઘી અને ચંદનના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ વિકટ સમયમાં લાગણીઓને પાછળ છોડીને આગળ વધવાની મજબૂરી આવી પડી છે.

પરંપરા મુજબ વપરાતા ઘીના બદલે ચિતાને અગ્નિદાહ આપવા ડીઝલ અને પેટ્રોલનો ઉપયોગ કરવો પડી રહ્યો છે અને આ જ બાબત શહેરના સ્મશાનોની બિહામણી સ્થિતિનો તાગ આપે છે. રામનાથ ઘેલા સ્મશાનના એક કર્મચારીએ કહ્યું, મૃતકોની સંખ્યા વધુ હોવાથી દરેક મૃતદેહને ગેસની ભઠ્ઠીમાં બાળવો મુશ્કેલ છે. અંતિમ સંસ્કારમાં વિલંબ ના થાય તે માટે પરિવારે લાકડાની ચિતા બનાવીને જ અગ્નિદાહ આપવાનું શરૂ કરી દીધું છે.

ત્યારે સૂકા લાકડા પણ મર્યાદિત પ્રમાણમાં છે. જેના કારણે અમે ચિતા બરાબર સળગે તે માટે કેરોસીનની વ્યવસ્થા કરી છે. રાત્રે સંદીપ જગાડે પેટ્રોલની થોડી બોટલો લઈને આવ્યા હતા જેથી તેમના મિત્રો મૃત સ્વજનને અગ્નિદાહ આપી શકે. બે દિવસમાં આ ત્રીજી અંતિમ ક્રિયા માટે હું અહીં આવ્યો છે. લાકડું લીલું છે અને તેના પર કોઈ જ્વલનશીલ પદાર્થનો છંટકાવ ન કરીએ ત્યાં સુધી સળગતું નથી, તેમ ચિતા પર પેટ્રોલ છાંટી રહેલા સંદીપે તટસ્થતાથી કહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.