Western Times News

Gujarati News

સુરતમાં મૃતદેહોની અંતિમક્રિયા કરવા માટે લાકડાની સાથે શેરડીના બગાસનો ઉપયોગ

પ્રતિકાત્મક

સુરત: સુરતમાં કોરોના સંક્રમણના બીજા તબક્કામાં મોતના આંકડામાં ધરખમ વધારો થયો છે. સ્મશાનમાં ગેસ ભઠ્ઠીઓ પણ પીગળવા લાગી છે ત્યારે લાકડાથી પરંપરાગત રીતે થતાં અગ્નિસંસ્કાર પણ અવિરત ચાલે જ છે. જાે કે રોજે રોજ લાકડાનો મોટાપ્રમાણમાં અગ્નિદાહ માટે ઉપયોગ થતો હોવાથી હવે લીલા લાકડાઓ અગ્નિસંસ્કાર માટે ઉપયોગમાં લેવાની ફરજ પડી છે.

લીલા લાકડાને સળગતાં ખાસ્સો સમય લાગતો હોવાથી લાકડાની સાથે હવે શેરડીના બગાસનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે. શેરડીનું બગાસ ઝડપથી સળગતું હોવાથી અંતિમક્રિયામાં પણ ઝડપ આવી છે. બીજી તરફ સાયણ સુગર દ્વારા ૯૦૦ રૂપિયે ટનથી વેચાતા શેરડીના બગાસ જ્હાંગીરપુરા સ્મશાનભૂમિને નિઃશૂલ્ક આપવામાં આવી રહ્યું છે.

સુગર ફેક્ટરીઓમાં શેરડીના પીલાણ બાદ બગાસ નીકળતું હોય છે. આ બગાસનો ઉપયોગ હાલમાં સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે રહ્યો છે. બગાસ કુદરતી જ્વલંતશીલ પદાર્થ છે. જેથી લીલા લાકડા વચ્ચે બગાસ પાથરી દેવામાં આવે છે. બગાસ ઝડપથી સળગે છે. સાથે લીલા લાકડાને પણ ઝડપથી સળગાવે છે. આ રીતે અંતિમ વિધિના સમયમાં ઘટાડો થઈ રહ્યો છે. ઓલપાડ ઉપરાંત સુરતના કેટલાક સ્મશાનોમાં લાકડાનો ઉપયોગ થાય છે, તેમાં આ બગાસનો ઉપયોગ થઈ રહ્યો છે. તેથી અંતિમ વિધિમાં પડતી મુશ્કેલીમાં સુગર ફેક્ટરીઓ દ્વારા બગાસ વિનામૂલ્યે આપવાનું નક્કી કરાયું છે.

સહકારી સુગર ફેક્ટરીમાં બગાસ બાય પ્રોડક્ટ તરીકે બહાર આવે છે તેનો ઉપયોગ મોલાસીસ કે ડિસ્ટલરીમાં થતો હોય છે. બગાસની ડિમાન્ડ પણ વધુ હોવાથી તેનો ભાવ પ્રતિ ટન દીઠ ૯૦૦ રૂપિયા જેવો આવતો હોય છે. પરંતુ હાલની મહામારીમાં અંતિમ સંસ્કાર માટે લાકડાની અછત હોવાથી મુશ્કેલી નિવારવા માટે સુગર ફેક્ટરીના સંચાલકો આગળ આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.