સુરતમાં મોબાઈલમાં વ્યસ્ત રહેતી પુત્રીની સગા બાપે કરપીણ હત્યા કરી
માતા સહિતના પરિવારના સભ્યો હેબતાઈ ગયા હતા
ઘરકામ ન કરતી પુત્રી ઉપર ઉશ્કેરાઈને પિતાએ માથામાં કૂકરના ઉપરાઉપરી ઘા મારીને મારી નાખી
સુરત,
સુરતમાં સગા બાપે પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના સામે આવી છે અને તેમાં કારણ મોબાઈલનું વળગણ સામે હોવાનું બહાર આવ્યું છે. પુત્રી ૧૮ વર્ષની થઈ ગઈ હતી અને ઘરકામ કરવાને બદલે મોબાઈલ ઉપર જ વ્યસ્ત રહેતી હોવાને કારણે પિતાએ ઉશ્કેરાઈને તેના માથામાં કૂકરના ઘા મારમારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.મળતી માહિતી અનુસાર ચોક બજાર વિસ્તારમાં ભર માતા રોડ પર આવેલા સુમન મંગલ આવાસમાં મુકેશ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. પત્ની ગીતા, બે પુત્રી અને બે પુત્ર સાથે રહે છે.
છેલ્લાં ઘણા સમયથી તેની ૧૮ વર્ષીય પુત્રીને રસોઈમાં માતાની મદદ કરવાનું કહ્યું હતું. રસોઈ બનાવવાનું શીખવા પિતા મુકેશભાઈ અને માતા ગીતાબેન સતત કહેતા હતા.ગુરુવારે બપોરે ૧ઃ૦૦ વાગે પરિવારના સભ્યો ઘરમાં હતા ત્યારે તેના પિતા મુકેશ પરમારે દીકરીને રસોઈ બનાવો બાબતે ઠપકો આપ્યો હતો. આ મુદ્દે દીકરી સાથે પિતા મુકેશ પરમારની માથાકૂટ થઈ હતી. પિતાએ ઉશ્કેરાઈ જઈને રસોડામાંથી કૂકર લાવીને દીકરીના માથા પર માર્યું હતું. ગુસ્સો એટલી હદે બેકાબુ બન્યો હતો કે, કૂકરના તળિયામાં ગોબા પડી ગયો ત્યાં સુધી પિતાએ પુત્રીના માથામાં કૂકર ફટકાર્યે રાખ્યું હતું.
માતા સહિતના પરિવારના સભ્યો હેબતાઈ ગયા હતા. દીકરીને માથાના ભાગે ગંભીર પહોંચી હતી. સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, મોડી સાંજે તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ચોક બજાર પોલીસ જાણ થતા તેમને તાત્કાલિક ફરિયાદ લીધી હતી અને પિતા મુકેશ પરમારની ધરપકડ કરી હતી.આ બનાવ સંદર્ભે ચોક બજાર પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર વિશાલ વાગડિયાએ કહ્યું હતું કે, સુમન આવાસમાં રહેતા પરિવારમાં પિતા પુત્રી વચ્ચે ઘરકામ બાબતે ઝઘડો થયો હતો. પિતાએ ઉશ્કેરાટમાં દીકરીના માથાના ભાગે કુકર મારી દીધું હતું. સારવાર દરમિયાન પુત્રીનું મોત થયું હતું. આરોપી પિતા ભાડાની રિક્ષા ચલાવે છે. તેમને સંતાનમાં બે દીકરીઓ અને બે દીકરાઓ છે. આરોપી તેના ઘરે જ હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે.