સુરતમાં યુવાને મિત્રોની સાથે મળીને જાહેરમાં હુકો પીધો
સુરત: છેલ્લા એકે અઠવાડિયામાં સુરતમાં કોરોનાના નિયમો તોડી અને તેમાં પણ પોલીસ કમિશનર જાહેરનામાનો સતત ભંગ કરી જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવાની અનેક ઘટના સામે આવી છે. કોરોનાની મહામારી વચ્ચે પણ કાયદાઓનો છડેચોક ઉલ્લંઘન કરીને જાહેરમાં જન્મ દિનની ઉજવણીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પહેલા બુટલેગર પછી પોલીસ કર્મચારી, રાજકીય આગેવાન અને હવે એક યુવાને જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરી છે. સુરતના સૌયદપુરા ખાતે રહેતા યુવાને પોતાના મિત્ર સાથે જાહેરમાં અને તે પણ ખંજર વડે કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી હતી.
આ યુવાન કેક કાપવા સાથે હુક્કાના પણ દમ મારતો જાેવા મળે છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દેખાઇ રહ્યું છે કે, જન્મદિનની ઉજવણી કરતા યુવાનો કોરોનાની ગાઈડલાઇન તો ઠીક પણ પોલીસ કમિશનર જાહેર નામની પણ એસી તેસી કરતા જાેવા મળ્યા હતા. આ યુવાનનો જન્મ દિવસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે સુરતની લાલ ગેટ પોલીસે આ યુવાન પર કાયદેસરની કાર્યવાહી કરી છે.
જાેકે આ વીડીયો વાયરલ થતાની સાથે સમગ્ર વિસ્તાર ચકચાર મચી જવા પામી હતી. થોડા દિવસ પહેલા પણ સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. શહેરનાં ઉધના પોલીસ સ્ટેશન પાસે જાહેરમાં જન્મ દિનની કેક કાપીને ઉજવણી કરવામાં મશગુલ ઈસમો પૈકી એક પણ વ્યક્તિએ માસ્ક પણ પહેર્યું ન હોવાને કારણે ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.
જાેકે સૌથી આશ્ચર્યની વાત એ હતી કે, આ તાયફામાં ભાજપના પૂર્વ પ્રદેશ આઈટી સેલ સાથે સંકળાયેલા કાર્યકરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. ઉધના પોલીસ સ્ટેશન નજીક મિલિન્દ પાટીલ નામના વ્યક્તિની જાહેરમાં જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી. રસ્તા પર કેક કાપીને ઉજવણી કરવામાં ભાન ભૂલેલા આ લોકોએ કોવિડ-૧૯ની ગાઈડ લાઈન્સનો ધરાર ભંગ કરીને તસવીરો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા.