સુરતમાં યુવાન પર ખુલ્લી તલવારથી હુમલો કરાયો
તપાસમાં બહાર આવ્યું કે તમામ લોકો વચ્ચે પહેલા ઝઘડો થયો હતો, જે વાતનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો
સુરત, સુરતમાં બે દિવસ પહેલા એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જાેઈ શકાય છે કે કેવી રીતે યુવક પર તલવારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. યુવક પર જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હુમલાનો બનાવ નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ત્રણ યુવકોએ એક યુવક પર તલવારથી હુમલો કરીને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. સામે આવેલા સીસીટીવીમાં જાેઈ શકાય છે કે બે લોકો બાઇક પર આવે છે.
બાઈક ઊભું રાખતાની સાથે જ પાછળ બેઠેલો યુવક દોડીને યુવક પર તલવારથી હુમલો કરી દે છે. આ અંગે મળેલી માહિતી પ્રમાણે નવાગામ શ્રીનાથનગર સોસાયટીમાં રહેતો ૨૩ વર્ષીય કરણ આબા સૈંદાણ જમીન લે-વેચનું કામ કરે છે. રવિવારે સાંજે તે ગોડાદરા વિનાયક હાઇટ્સ પાસે બેઠો હતો. આ દરમિયાન તેના પર હુલલો થયો હતો.
કરણ બેઠો હતો ત્યારે આરોપીઓ યશ ઉર્ફ સોનુ ,અનિલ ઉર્ફ ભુરિયા અને પુરષોત્તમ ઉર્ફ છોટુએ તેની સાથે ઝઘડો કરીને તલવારના ચારથી પાંચ ઘા મારી દીધા હતા. પોલીસ તપાસમાં માલુમ પડ્યું છે કે તમામ લોકો વચ્ચે એક દિવસ પહેલા ઝઘડો થયો હતો. જે વાતનો ખાર રાખીને કરણ પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો.
પોલીસના કહેવા પ્રમાણે જેના પર હુમલો થયો છે તે અને જેમણે હુમલો કર્યો છે તે તમામ મિત્રો છે. એવી પણ વિગતો સામે આવી છે કે કરણને લીડર બનવું હતું. આથી તે આ ગુનાના આરોપીઓને કામ સોંપતો ન હતો. જાે કામ ન થાય તો કરણ તેમને ધમકાવતો હતો.