સુરતમાં રિક્ષાના એન્જિનમાં મૂકેલી દારૂની બોટલ ફૂટતા આગ લાગી
સુરત , સુરતના કાપોદ્રા વલ્લભાચાર્ય રોડ ઉપર આજે સવારે દોડતી સીએનજી રિક્ષાના એન્જિનમાં મૂકેલી દારૂની બોટલ ફૂટતા આગ ફાટી નીકળી હતી. બનાવને પગલે રિક્ષાચાલક રિક્ષા સળગતી મૂકી ફરાર થઈ ગયો હતો. સ્થળ પર પહોંચેલા ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી ત્યાં પહોંચેલી પોલીસને રિક્ષા સોંપતા પોલીસે તેમાંથી સીલબંધ ૮૦ બોટલ કબજે કરી રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે પોલીસ સૂત્રો તેમજ ફાયરબ્રિગેડના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદ્રા વલ્લભાચાર્ય રોડ ઉપર આજે સવારે ૯ વાગ્યાના અરસામાં વરાછા તરફ જઇ રહેલી સીએનજી રિક્ષાના પાછળના ભાગે એન્જિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. દોડતી રિક્ષામાં આગ લાગતા તેનો ચાલક રિક્ષા ત્યાં મૂકી જ ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું.
આગ પર કાબૂ મેળવી ડીકી ચેક કરતા તેમાંથી દારૂની તૂટેલી અને સીલબંધ બોટલો મળી આવી હતી. કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચતા ફાયર બ્રિગેડ કબજાે સોંપ્યો હતો. પોલીસે તપાસ કરતા એન્જિનના ભાગે છુપાવેલી દારૂની ૮૦ સીલબંધ બોટલ અને ૧૫ તૂટેલી બોટલ મળી આવી હતી.
સ્થળ પર પહોંચેલા એફ.એસ.એલ.ના અધિકારીઓએ તપાસ કરતા ખુલાસો થયો હતો કે દારૂની બોટલ એન્જિનના ભાગે છુપાવી હોવાથી એક બોટલ ફૂટતા અને તેને એન્જિનનો સ્પાર્ક મળતા આગ લાગી હતી.
કાપોદ્રા પોલીસે આ અંગે ગુનો નોંધી રિક્ષાના નંબરના આધારે તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.SS3KP