Western Times News

Gujarati News

સુરતમાં રેલવે ટ્રેક પર દીકરી પડી ગઇ, બચાવવા જતાં મા-દીકરી બંને ટ્રેન નીચે કપાઇ ગયાં

સુરત, સુરત અને ઉધના રેલવે સ્ટેશને બનેલી ગોઝારી ઘટનામાં મહિલા અને તેની બાળકીનું મોત નીપજ્યું હતું. રેલવે ટ્રેક પર દીકરી પડી જતા બચાવવા ગયેલા મા પણ ટ્રેનની અડફેટે આવી જતાં કમભાગી મા-દીકરીના મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય એક બાળકી ઘાયલ થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ગત રોજ બનેલી કમનસીબ ઘટનાની હકીકત એવી છે કે ગત રોજ સહારા દરવાજા અને ઉધના દરવાજા વચ્ચેના ટ્રેક પરથી એક મહિલા બે બાળકીઓ સાથે પસાર થઇ રહી હતી. કોન્ટ્રાકટ પર ટ્રેક આસપાસ ઘાસ કાપવાનું કામ કરતી રેખા કાલીયા ડામોર (ઉ.વ.૩૦) અને તેની પુત્રી રિતિકા (ઉ.વ.૦૭) ( બંને રહે,ખટ્ટા પાણી ગામ, જામ્બુવા, મધ્યપ્રદેશ)તેમજ અરુણા મુકેશ દેવડા (ઉ.વ.૧૦) (રહે. ઉચવાનિયા ગામ, દાહોદ )સહારા દરવાજાના રેલવે પુલ-૪૪૩ ઉપરથી પસાર થઇ સુરત તરફ જતી હતી. ત્યારે વલસાડથી સુરત તરફ આવતી વલસાડ- દાહોદ ઇન્ટરસીટી ટ્રેને મહિલા અને તેની પુત્રીને ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા જયારે અન્ય એક બાળકી અરુણાને ઇજા પહોંચી હતી. દુર્ઘટના બાદ ટ્રેન રોકી દેવાઇ હતી અને રેલવે પોલીસ તેમજ આરપીએફ જવાનો ઘટના સ્થળે પહોંચી બંનેની લાશને પીએમ માટે સ્મીમેરમાં મોકલી દઇ ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ખસેડાઇ હતી.

મૃતક મહિલા સિવિલિયન્સ ઇન્ફ્રા બિલ્ડ કંપનીના કોન્ટ્રાકટ પર રેલવે ટ્રેક પાસે ઘાસ કાપવાનું કામ કરતી હતી. સુપરવાઈઝર જયંતિ પવને જણાવ્યું હતું કે, પુલ પર જ્યારે પાછળથી ટ્રેનને આવતી જોઇ માતા-પુત્રી અને અન્ય એક બાળકી ગભરાઇને ભાગવા લાગ્યા પરંતુ પુત્રી ટ્રેક પર પડી જતા તેને બચાવવાની કોશિશમાં ટ્રેન બંનેને અડફેટે લઈ પસાર થઇ ગઈ હતી. જોકે, અરુણા બચી જવામાં સફળ રહી હતી.

જે પુલ પર ઘટના બની તે પુલ પર ટ્રેન આવે ત્યારે સાઈડ પર ઉભા રહી જવા માટે કોઈ જગ્યા નથી. જોકે ટ્રેન આવે તો પુલ પસાર કરવો જ પડે. માટે આ પુલ પર વચ્ચે રેસ્ટ સ્પેસ બનાવવા રેલવે અધિકારીઓએ વિચારણા કરી છે. થોડા મહિના અગાઉ સુરત -ઉધના વચ્ચેના કાંકરા ખાડી પુલ પર ઉપરા છાપરી બનેલી બે ઘટનામાં ૫ લોકોએ જીવ ગુમાવ્યો ત્યારબાદ રેલવે પોલીસ અને આરપીએફે આ સેક્શન પર પેટ્રોલિંગ વધારવા વાત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.