સુરતમાં રોજ ૩૦૦ મોડેલને સાડી પહેરવાનુ કામ આપે છે
સુરત, સુરતની સાડીઓ દેશ- વિદેશમાં પ્રખ્યાત છે. પરંતુ અહીંની સાડીઓી જાહેરાત કરવા માટે જે મોડલ સાડી પહેરેલી જાેવા મળતી હોય છે, તે કોઈ પ્રખ્યાત મોડલ નહિ, પરંતુ સ્થાનિક મોડેલ હોય છે. એટલું જ નહિ, એક મોડલ દિવસ દરમિયાન ૨૦૦ થી ૩૦૦ જેટલી સાડીઓ માટે મોડલિંગ કરતી હોય છે.
એટલે કે દસ મિનિટમાં એક સાડીનું મોડલિંગ આ મોડેલ દ્વારા કરવામાં આવે છે. સુરતની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીમાં માત્ર ગુજરાતી મોડલ જ નહિ, પરંતુ રાજસ્થાન, બિહાર અને યુપીની યુવતીઓને પણ રોજગારી આપે છે.
મૂળ બિહારની અને સુરતમાં રહેતી પ્રિયા તિવારીએ જણાવ્યું હતું કે, તે મધ્યમ પરિવારથી આવે છે અને પરિવારની સ્થિતિ એટલી સારી નહોતી કે તે કોલેજમાં ભણી શકે. તે નાનપણથી જ એક્ટિંગ અને મોડલિંગ કરવા માંગતી હતી. પરંતુ કદ નાનું હોવાને કારણે તે એક્ટિંગ કરી શકી નહોતી.
તેની માતાને ખબર પડી કે તેનું સ્વપ્ન સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પૂર્ણ કરી શકશે, કારણ કે અહીં રોજ મોટી સંખ્યામાં સાડીઓ માટે મોડેલિંગ થતું હોય છે. આ બાદ તેણે આ દિશામાં કામ શરૂ કર્યું. આજે તે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા અને રોજે ૨૫૦ જેટલી સાડીઓ માટે મોડલિંગ કરે છે. આ કામ થકી તે રોજની ૧૦થી ૧૫ હજાર સુધીની કમાણી કરે છે.
મૂળ રાજસ્થાનની રાજપુત સોનલે જણાવ્યું હતું કે, તે અગાઉ મુંબઈમાં રહેતી હતી અને પારિવારિક કારણોસર તે સુરત આવીને રહેવા લાગી હતી. મોડલિંગ ક્ષેત્રે જવા માંગતી હતી અને તે દરમિયાન ખબર પડી કે સુરતમાં જ કાપડ ઉદ્યોગમાં સાડીઓ માટે મોડલિંગ થાય છે.
તેણીએ જણાવ્યું હતું કે, દિવસે બસોથી અઢીસો જેટલી સાડીઓનું મોડલિંગ તે કરે છે અને ૧૫ હજારથી વધુની કમાણી પણ કરે છે. બીજી તરફ, મુંબઈમાં સ્ટ્રગલ વધારે છે અને લોકો ગેરલાભ પણ લેતા હોય છે. સામે કામ પણ સંતોષજનક મળતી નથી. પરંતુ સુરતમાં આવી પરિસ્થિતિ નથી.
અહીં મહેનત કરીને જ લોકો આગળ આવે છે. તે છેલ્લા સાત વર્ષથી ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. સુરતના કાપડ ઉદ્યોગમાં આ ઇન્ડસ્ટ્રી છેલ્લા ઘણા વર્ષથી કાર્યરત છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા બંસીલાલ શર્માએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી તેઓ કાપડ ઉદ્યોગમાં સાડીઓના પ્રચાર માટે મોડલિંગ કરાવે છે. અહીં ૪૦ રૂપિયાથી લઈને ૧૫૦ રૂપિયા પ્રતિ સાડી મોડલને મોડલિંગ માટે આપવામાં આવે છે.
ગુજરાત સિવાય અન્ય રાજ્યોની યુવતી આ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. સુરતમાં ૧૦૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીની સાડીઓ તૈયાર થતી હોય છે. જે દેશના અન્ય રાજ્યોમાં જાય છે. કેટલોગ અને ઓનલાઈનના માધ્યમથી લોકો તસવીર જાેઈને સાડીઓ પસંદ કરતા હોય છે અને આ કારણે જ આ મોડલો ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે.SSS