સુરતમાં વધુ પાંચ પોલીસ સ્ટેશન બનાવાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/Surat-police.jpg)
સુરત શહેરમાં વેસુ, સારોલી, અડાજણમાંથી પાલ પોલીસ સ્ટેશન, અમરોલી પોલીસ સ્ટેશનમાંથી ઉત્રાણ, ખટોદરામાંથી અલથાણ પોલીસ સ્ટેશન નવા બનશે.
સુરત, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા શહેર પોલીસ પુનઃગઠન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં શહેરમાં વધુ પાંચ પોલીસ સ્ટેશન બનાવવાનો ર્નિણય લેવાયો હતો.
શહેર પોલીસ માટે માનવબળમાં વધારો કરવામાં આવ્યો હોવાનું આ બેઠકમાં જણાવાયું હતું અને શહેરમાં વધુ સીસીટીવી કેમેરા લગાવવાનો ર્નિણય પણ લેવાયો હતો. આ બેઠકમાં લેવાયેલા ર્નિણય મુજબ, સુરત શહેરમાં વેસુ, સારોલી, અડાજણમાંથી પાલ પોલીસ સ્ટેશન, અમરોલી પોલીસ સ્ટેશનમાંથી ઉત્રાણ, ખટોદરામાંથી અલથાણ પોલીસ સ્ટેશન નવા બનશે. શહેરના પોલીસ મહેકમમાં વધારો કરીને નવા ૧૯૫૬ જેટલા ઉચ્ચ અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મચારીઓનો વધારો કરાયો છે.
ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહે જણાવ્યું કે, સુરત ગુજરાતનું આર્થિક પાટનગર છે. અહીં સમગ્ર દેશમાંથી આવીને લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે સુરત શહેરના ઝડપી વિકાસ અને વસ્તીને ધ્યાને લઈને ગત વર્ષોમાં સાંસદો અને ધારાસભ્યોએ નવા પોલીસ સ્ટેશનો તથા મેનપાવરની માગ કરી હતી.
તેમણે જણાવ્યું કે, સુરતમાં સેફ સીટી હેઠળ ૬૩૧ અને સ્માર્ટ સિટીમાં ૧૫૫ મળી કુલ ૯૮૬ સીસીટીવી કેમેરા હતા. જેમાં આગામી દિવસોમાં વિશ્વાસ-૨ પ્રોજેક્ટ હેઠળ નવા ૫૯૦ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, સીસીટીવીના નેટવર્ક વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ માટે ૨૧.૧૬ કરોડ મંજૂર કરાયા છે.
વાહનો માટે ત્રણ કરોડ અને ૧.૨૩ કરોડના ઈક્વિટમેન્ટ મંજૂર કરાયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર સ્માર્ટ અને શાર્પ બને અને તેની સાથે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થાય તે માટે રાજ્યભરમાં ૭૧ કરોડના ખર્ચે ૧૦ હજાર બોડી વોર્ન કેમેરાની ફાળવણી કરવામાં આવશે.