સુરતમાં વાહનો ટોઇંગ કરવાના મુદ્દે પથ્થરમારો
અમદાવાદ: સુરતના વરાછા વિસ્તારમાં નો પા‹કગ ઝોનમાં પાર્ક વાહનોને ટો કરવાની કામગીરી દરમ્યાન સ્થાનિક યુવકો અને ટોઇંગ વાનના માણસો વચ્ચે ઘર્ષણનો બનાવ સામે આવ્યો હતો. એક તબક્કે ઉશ્કેરાયેલા યુવકોએ ટોઇંગ ક્રેન પર પથ્થરમારો કરી પાઇપથી ક્રેનના કર્મચારી પર હુમલો કર્યો હતો. આ બનાવને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, થોડા સમય માટે વાતાવરણ પણ તંગ બની ગયુ હતુ. ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવતાં મામલો ગરમાયો હતો.
દરમ્યાન વરાછા પોલીસે સમગ્ર બનાવ અંગે કસૂરવાર યુવકો વિરૂધ્ધ સરકારી ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. વરાછા પોલીસના જણાવ્યા અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં આજે ટ્રાફિક બ્રાંચની વાહનો ટો કરતી ક્રેન પર નરેશ કાજુ રાજપુત કામ કરે છે. ગઇકાલે સાંજે વાગે નરેશ વરાછામા ક્રેન નંબર બે પર નોકરી પર હતો. ક્રેન પર હેડ કોન્સ્ટેબલ પિયુષ ગમાર ઇન્ચાર્જ હતા. ઉમીયાધામથી ફુલ માર્કેટ જતા રસ્તા પરથી નરેશ અને બીજા ક્રેન કર્મીઓએ ચાર બાઈક ટો કરી હતી. તેઓ વાહનો લઈને ગીતાંજલી સિનેમા પાસે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક યુવક અને તેના મિત્રએ ક્રેનનો પીછો કર્યો હતો. તેઓએ કહ્યું કે તેમની બાઈક છે. તેઓએ ક્રેન પર પથ્થર માર્યો હતો.
જા કે, કોઈને પથ્થર વાગ્યો ન હતો. પછી બાઈકવાળા યુવકે પાઈપથી નરેશ પર હુમલો કર્યો હતો તેમજ ક્રેન કર્મીનો પગ પકડી લેતા નરેશ નીચે પટકાયો હતો. તેથી તેને ગંભીર ઇજા થઈ હતી. નરેશને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ દાખલ કરાયો હતો. નરેશે બાઈક સવાર અને તેના મિત્ર વિરુદ્ધ હત્યાની કોશિશ અને સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાવ્યો હતો. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.