સુરતમાં વેપારીને કોરોના પોઝિટીવ આવતા ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો
સુરત: રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે, બીજી બાજુ લોકો આર્થિક સંક્રમણમાં પોતાના જીવ ટૂંકાવી રહ્યા હોવાની ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે. ત્યારે આજે સુરતમાં આપઘાતનો એક કિસ્સો નોંધાયો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે સુરતના એક વેપારીને કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેણે રાજધાની ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. સુરતનો આ હીરો વેપારી નાનપુરાનો હોવાનું ખુલ્યું છે.
આ ઘટનામાં ઉધના રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના નાનપુરા દેના જ્યોતિ પેલેશ કૈલાશ હોટેલ સામે કુમારપાળ નટવરલાલ શાહ (ઉ.વ. ૬૩) રહેતા હતા અને તેઓ હીરા વેપારીનો ધંધો કરે છે. હાલ કોરોના મહામારીનો ખતરો સુરતમાં વધ્યો છે, ત્યારે થોડા દિવસો પહેલા આ હીરા વેપારીને તાવ આવ્યા બાદ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો, જેમાં તેમનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો.
જેના કારણે આજે તેમને વહેલી સવારે પત્નીને ઉંઘતી છોડી કુમારપાળ એક્ટિવા લઈ ઘરેથી નીકળી ગયા હતા. હીરા વેપારીની શોધખોળ કર્યા બાદ એક્ટિવા ઉધના રેલવે સ્ટેશન બહારથી મળી આવ્યા બાદ તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. કોરોના પોઝિટિવ આવ્યા બાદ કુમારપાળે રાજધાની ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. મોઢાના ભાગે વધુ પડતી ઇજાઓ સાથે મળી આવ્યા હતા. ઉધના રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક હીરા વેપારીને પરિવારમાં એકનો એક પુત્ર જે મુંબઈ રહે છે જે ગઈકાલે જ પત્ની અને એક સંતાન સાથે સુરત આવ્યો હતો અને પિતાને કોરોના પોઝિટિવ હોવાથી ઘર નજીક એક ફ્લેટમાં રહેતો હતો. પરિવારમાં ઘરના મોભીના મોતને લઈને શોક ફેલાયો છે.