સુરતમાં સરકારી જમીનને ખાનગી દર્શાવી ૯૦ લાખ પચાવી પાડવાનું કારસ્તાન
સુરત, સરકારી જમીનને પોતાની ખાનગી માલિકીની દર્શાવીને સરકાર પાસેથી મસમોટી રકમ લેવાનું કારસ્તાન ઝડપાયુ છે. મહાનગર સુરતમાંથી આ કિસ્સો સામે આવતા સુરત ક્લેક્ટરે યુદ્ધના ધોરણે આ જમીનની તપાસ કરવા માટે આદેશ આપ્યા છે. સુરતના ઓલપાડ તાલુકાના શેખપુર ગામે રેલવે ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે. જેના જમીન સંપાદનમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સ્થાનિક ખેડૂતે ધારાસભ્યને ફરિયાદ કરતા ક્લેક્ટરે જમીન તપાસ કરવા માટે આદેશ કર્યા છે.
હાલમાં ગુજરાતમાં મુંબઈ-દિલ્હી રેલવે લાઈન શરૂ કરવા માટેનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. મુંબઈથી દિલ્હી સુધી રેલવે લાઈનની સાથોસાથ ફ્રેટ કોરિડોરનું કામ ચાલુ છે. જે પ્રોજેક્ટ અંતર્ગત જેટલી પણ આ રૂટમાં ફાટક આવે છે તેને માનવરહિત કરવા માટે રેલવે ફાટક પરથી ઓવરબ્રીજ બનાવવા કામ ચાલુ કરી દેવાયું છે. બ્રીજના આ કામમાં જાે ખાનગી માલિકીની કોઈ જમીન આવે તો તેને સંપાદિત કરવા માટે સરકાર તરફથી એક વળતર ચુકવવામાં આવે છે. સુરતના ઓલપાડ તાલુકાના શેખપુર ગામે જમીન સંપાદનની પ્રક્રિયામાં કૌભાંડ થયું હોવાની વિગત સામે આવી છે. સંપાદનમાં સરકારી જમીનની બાજુમાં આવેલી જમીનને ખાનગી માલિકીની દર્શાવી ખોટી રીતે માપણી કરાવી દીધી હતી. જેની સામે રૂ. ૯૦ લાખ જેટલી રકમ સંપાદન પેટે આવેલી. જે ખિસ્સામાં મુકી દીધી હતી. આ સમગ્ર ઘટના પર સ્થાનિક ખેડૂતોનું ધ્યાન જતા સુરત ક્લેક્ટર ધવલ પટેલ તથા તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.
જિલ્લા સંકલનની બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલે પણ આ અંગેનો વિષય ઊઠાવતા ક્લેક્ટરે જમીનની તપાસ કરવા માટેના આદેશ આપ્યા છે. જાેકે, રેલવેની આસપાસની ખાસ કરીને શહેરી વિસ્તારની જમીન કાયમી ધોરણે કોઈને કોઈ વિવાદમાં રહી છે. માત્ર મહાનગર જ નહીં નાના શહેરોમાં પણ રેલવેના મેદાન પર તથા પાર્કિંગ હેતુ ફાળવાયેલી જગ્યાઓ પર માથાભારે શખ્સો કબ્જાે જમાવી દે છે. પછી જ્યારે માપણી શરૂ થાય ત્યારે ખાનગી હોવાનું દેખાડે છે. પણ દસ્તાવેજ આધારિત તપાસ થતા મામલો ઉઘાડો પડે છે. પછી ખોટી રીતે દબાવેલી જગ્યાઓ પણ આખરે જતુ કરવાનો વારો આવે છે. આ કેસમાં પણ કોઈ અપેક્ષિત વળાંક આવે એવું કચેરીના સુત્રો પાસેથી જાણવા મળે છે.HS