સુરતમાં સાળી પર રેપ કેસમાં પેરોલ પર છૂટેલા બનેવીએ ૧૧ વર્ષીય સાળાની હત્યા કરી, હત્યારો બિહાર ભાગી ગયો
સુરત: સુરત શહેરના પનાસમાંથી ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરી હત્યા મામલે ખટોદરા પોલીસની ટીમ હત્યારાને પકડવા માટે બિહાર રવાના થઈ છે. હત્યારો ખુદ બાળકનો જીજાજી છે. જ્યારે સાળીના રેપ કેસમાં આજીવન સજાનો કેદી પણ છે. દરમિયાન મૃતક બાળકની બહેન અને આરોપીની પત્નીએ જ ૫ દિવસ પહેલા પેરોલ પર છોડાવ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા બિહાર ભાગી ગયેલા આરોપી ડબલ્યુસીંગને ઝડપી પાડવા એક ટીમ બિહાર રવાના કરી છે.
૨૨ જુલાઈના રોજ પનાસમાંથી ૧૧ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બે દિવસ દરમિયાન ખટોદરા, ડુમસ અને ઈચ્છાપોર પોલીસે અપહરણ કરાયેલા બાળકની તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે પનાસથી લઇ વીઆઇપી રોડ અને સિટીલાઇટ રોડ સુધીના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. શનિવારે ડુમસ પીસીઆરના સ્ટાફને સાયલન્ટ ઝોન પાસે ખંડેર મકાનમાંથી બાળકને ગળેટૂંપો આપી સાડીમાં વિટાળેલી લાશ મળી હતી. જાેકે બાળકની હત્યા કર્યાની વાત આરોપીએ તેના મિત્રને જણાવી હતી.
ખટોદરા પોલીસે હત્યારા ડબલ્યુસીંગ સુરેન્દ્ર સીંગ રાજપૂત(રહે,ઘનકુંડગામ,બિહાર)ને શોધવા માટે કવાયત શરૂ કરી છે. ડબલ્યુ સીંગ રાજપૂત સાળી પર દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા થઈ હતી. હત્યારો લાજપોર જેલમાં હતો. ૫ દિવસ પહેલા આરોપીને તેની પત્નીએ પેરોલ પર છોડાવ્યો હતો. હત્યારો બળાત્કારના કેસમાં સમાધાન કરવા મૃતક બાળકના પરિવારજનોને દબાણ કરતો હતો. જેનો બદલો લેવા માટે સાળાની હત્યા કરી હોય એવી પોલીસને આશંકા છે.
પોલીસે લાજપોર જેલમાં ડબલ્યુસીંગ રાજપૂતની નજીક હોય તેવા આરોપીની તપાસ શરૂ કરી હતી. પોલીસે જામીન પર છુટેલા બે આરોપીઓ પૈકી વિવેકસીંગને ઊંચકી લાવી હતી. વિવેક સીંગ સાથે ડબલ્યુ સીંગ વાત કરતો હતો. શનિવારે સવારે પોલીસ સ્ટેશનમાં વિવેક સીંગ પર ડબલ્યુસીંગનો ફોન આવ્યો હતો. વિવેકસીંગે પૂછ્યું કે તુ કહા હૈ, મે નીકલ ગયા હું, ઔર લડકે કો ખતમ કર દીયા હૈ, લાશ ડુમસ નદી કિનારે ફેંક દી હૈ, આ વાતને પોલીસે ગંભીરતાથી લઈ તપાસ કરાવતા બાળકની લાશ મળી હતી.
હત્યારો ડબલ્યુસીંગ જે નંબરથી કોલ કર્યો તે નંબર આધારે ખટોદરા પોલીસની એક ટીમ આરોપીને પકડવા બિહાર રવાના થઈ છે.૧ વર્ષના સાળાનું અપહરણ કરી તેને ડુમસ સાયલન્ટ ઝોન પાસે અવાવરુ ખંડેર જગ્યા પર લઈ જઈ માથામાં અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં હત્યારો ત્યાંથી વતન બિહાર ભાગી ગયો હતો. બાળકની લાશનું પીએમ કરાયું જેમાં માથામાં અને છાતીની પાંસળીમાં ગંભીર ઈજાઓ થવાને કારણે મોત થયું હોવાનું તબીબે પોલીસને જણાવ્યું છે. બાળકને પહેલા માથામાં ઈંટ મારી બાદમાં તેની છાતીની પાંસળીઓ તોડી નાખી હતી. હત્યારો સાળાને પનાસથી બીઆરટીએસ બસમાં મગદલ્લા એસ.કે.નગર લઈ ગયો હતો અને પછી ત્યાંથી રિક્ષામાં ડુમસ લઈ ગયો હોય શકે છે.