સુરતમાં હવે ઓક્સિજનની જરૂરિયાતમાં ઘટાડો નોંધાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/12/Oxygen.jpg)
સુરત: સુરત શહેરમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. પરંતુ રાહતની વાત એ છે કે દર્દીઓની સંખ્યા વધતી હોય, પરંતુ કોરોનાની અસર ઓછી થતા હાલ ઓક્સિજનની જરૂરિયાત દર્દીઓને ઓછી થઈ રહી છે. શહેરમાં ઓક્સિજન સપ્લાયની માત્રા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પર્યાપ્ત છે અને આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ મુજબ હાલ કોરોના ફેઝ-૧ જેટલી ઓક્સિજનની જરૂરિયાત પડી હતી. તેનાથી ૬૦ ટકા જરૂરિયાત જ ફેઝ-૨માં પડી રહી છે. સુરતમાં દરરોજ અઢીસોથી ત્રણસો જેટલા કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ વચ્ચે અત્યંત ગંભીર ગણાતા દર્દીઓને ઓક્સિજન આપવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી.
આ જ કારણ છે કે, ઓક્સિજન સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પર્યાપ્ત માત્રામાં મળી રહ્યું છે. દર્દીઓની સંખ્યા ઓછી થતાં અને કોરોના અંગે લોકો આટલી હદે જાગૃત થઈ ગયા છે કે અગાઉથી જ કોરોનાની સારવાર શરૂ કરી દેતા હોય છે. જેથી યોગ્ય સારવારના કારણે હાલ દર્દીઓ ગંભીર સ્તર સુધી નથી પહોંચતા અને ઓક્સિજનની જરૂરિયાત ઓછી પડે છે. સુરતના જાણીતા ફેફસાના ડૉક્ટર સમીર ગામીના જણાવ્યા અનુસાર, ફેઝ-૧ કરતા ફેઝ-૨ માં એવા દર્દીઓની સંખ્યા ઓછી થઈ છે,
જેઓને ઓક્સિજનની જરૂરિયાત હોય. જેની પાછળનું કારણ એ છે કે લોકો આટલી હદે જાગૃત થઈ ગયા છે કે ડોક્ટરની પાસે આવ્યા પહેલા જ પોતાનો કોરોના રિપોર્ટ કરાવી દે છે અને સમયસર સારવાર લઇ લે છે. કોઈપણ વાયરસ વધારે સમય સમાજમાં રહે તો તેની અસર પણ ઓછી થઈ જતી હોય છે. આ જ કારણ છે કે હાલના સમયે વધુ સિરીયસ થનાર દર્દીઓની સંખ્યા ઓછી થતાં ઓક્સિજનની જરૂરિયાત પડી રહી નથી. હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય કરનાર એડી મોરેએ જણાવ્યું હતું કે, જે રીતે જૂન-જુલાઈમાં અચાનક જ ઓક્સિજનની જરૂરિયાત વધી ગઈ હતી, તે હાલ ફેઝ ૨ માં જાેવા મળી રહ્યું નથી.
સુરતના સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા જે ઓક્સિજનના ટેન્ક લગાડવામાં આવ્યા છે, તેના કારણે હાલ ઓક્સિજનની જરુરત પડી રહી નથી. જ્યારે નાના ઓક્સિજન સિલિન્ડરમાં અગાઉ દરરોજ ૩૦૦ થી ૩૫૦ ની ડિમાન્ડ હતી, તે પણ ઘટીને હાલ ૧૦૦ થી ૧૫૦ સુધી થઈ ગઈ છે.