સુરતમાં હવે મરણના દાખલા મેળવવા માટે લાંબી લાઈનો
ઇન્જેક્શન, ઓક્સિજન, અંતિમવિધિ બાદ નવી સમસ્યા-કોરોના સ્થિતિ છે ત્યારે આ પ્રક્રિયા ઓનલાઇન કરી દેવાય તો લોકોને લાઇનમાં ઊભા રહેવાથી છૂટકારો મળી શકે છે
સુરત, સુરતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોનાને લઈને ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થતા મૃત્યાંક પણ વધી રહ્યો છે. જાેકે, કોરોનાના આ કહેર કુદરતી મૃત્યુ અને કોરોનાથી મૃત્યુ થતા મોતનો આંકડો વધી રહ્યો છે. જેને લઈને હવે મરણનાં દાખલા કઢાવવા માટે લોકોએ લાંબી લાઈનો લગાવી છે.
સુરતમાં હાલત એવી છે કે મરણના દાખલા માટે લોકોએ ત્રણથી ચાર કલાક લાઈનમાં ઊભા રહેવું પડે છે. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોરોનાના કહેર વચ્ચે સુરતમાં સ્થિતિ કથળી રહી છે. કોરોનાનો કહેર વધતા શહેરમાં બેડ, ઇન્જેક્શન, ઑક્સિજનની અછત સર્જાઈ છે. જેના માટે લોકોએ લાંબી લાઈનો લાગવી છે. જાેકે, હવે મરણ દાખલા માટે પણ લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં છેલ્લા ત્રણ મહિનાથી કોરોના સંક્રમણને કારણે મૃત્યુઆંક ખૂબ ઊંચો ગયો છે.
કુદરતી રીતે મરણ થતાં વ્યક્તિઓ અને કોરોના સંક્રમણને કારણે થતાં મોતનો આંકડો નોંધનીય રીતે ખૂબ ઓછો છે. લોકો કલાકો સુધી મરણનો દાખલો કઢાવવા માટે લાઇનમાં ઊભા રહેલા જાેવા મળી રહ્યા છે. કોર્પોરેશનની અલગ-અલગ ઝોનમાં મરણનો દાખલો કાઢવા માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાની બીજી લહેર વધુ ધાતક છે. જેને પગલે ઈન્જેક્શન, ઑક્સિજન, સારવાર, અંતિમસંસ્કાર માટે પણ લાઈનો જાેવા મળી હતી.
શહેરના અઠવા ઝોનમાં સવારથી જ લોકો મરણ દાખલો કઢાવવા માટે કતારમાં ઊભેલા જાેવા મળ્યા હતા. જે કોરોના સંક્રમણના કારણે શહેરમાં થયેલા મૃત્યાંકમાં વધારાનો પુરાવો સમાન છે. રાંદેર ઝોન, અઠવા ઝોન, કતારગામ ઝોન વગેરે વિવિધ પ્રકારની સ્થિતિ જાેવા મળી રહી છે. મરણ દાખલા વગર ઘણી બધી કાયદાકીય પ્રક્રિયા અટકી જતી હોય છે. જેથી મૃતકના સ્વજનો મરણ દાખલો કઢાવવા માટે પડાપડી કરી રહ્યા છે.
લાઈનમાં ઉભેલા લોકોએ જણાવ્યું હતું કે, મરણ દાખલો કઢાવવા માટે છેલ્લા બે કલાક જેટલા સમય તેઓ લાઈનમાં ઊભા રહ્યા છે. કોરોના સંક્રમણમાં તેઓના સ્વજનો ગુમાવ્યા બાદ મરણ દાખલો મહત્ત્વનો દસ્તાવેજ હોવાથી તેઓને લેવા માટે લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. હાલ કોરોના વિસ્ફોટની સ્થિતિ છે ત્યારે આ પ્રક્રિયા ઓનલાઇન કરી દેવામાં આવે તો લોકોને લાઇનમાં ઊભા રહેવાથી છૂટકારો મળી શકે છે.