સુરતમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર મોટો દરોડોઃ ૯૯ જુગારી ઝડપાયા
સુરત, શ્રાવણ મહિનો આવે તે પહેલા જ પોલીસને સુરતમાં મોટી સફળતા મળી છે. સુરતમાં પોલીસે એક મોટા જુગારધામ પર રે઼ડ કરી છે. પોલીસે લગભગ ૯૯ શકુનીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત પોલીસને બાતમી મળી હતી કે, સુરતના તુલસી ફળિયાના એક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું છે.
પોલીસે મોટી ટીમ સાથે રેડ પાડી ૯૯ જેટલા જુગારીઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાથમિક મળેલી માહિતી અનુસાર, સુરતના તુલસી ફળીયામાં મકાન ભાડે રાખી જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું, અહીં રેડ કરી ૧૦૦ જેટલા જુરીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ જુગારધામ નામચીન આસિફ ગાંડા દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોવાની પ્રાથમિક માહિતી છે. રેડ દરમિયાન આસિફ ગાંડો સહિત બે લોકો ફરાર થઈ ગયા છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, શહેરમાં આવેલા બેગમપુરા વિસ્તારમાં આવેલા તુલસી ફળિયામાં ચાલતાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યાં છે. સ્ટેટમોનિટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ૯૯ જેટલા જુગારીઓ ઝડપાયા છે. આસિફ ગાંડાના જુગારધામ પર પડેલા આ દરોડામાં પોલીસને લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ મળી આવ્યાં છે. સિલાઈ મશીનના કામની આડમાં જુગારધામ ચલાવવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ પોલીસે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
એરકન્ડિશન જુગારધામ ધમધમતું – આસિફ ગાંડાનું બેગમપુરા વિસ્તારમાં આવેલું બે માળનું એર કન્ડિશન જુગારધામ ઝડપાયું છે. પોલીસે રેડ દરમિયાન બન્ને માળમાં આરોપીઓને જુગાર રમતાં રંગેહાથ પકડી લીધાં છે. આરોપીઓ હારજીતનો જુગાર રમતા હોવાથી પોલીસે તમામને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોરોના સમયે લોકો એકઠા થયા – હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે ત્યારે આસિફ ગાંડાના એર કન્ડિશન વાળા જુગારધામ પર મોટી સંખ્યામાં લોકો જુગાર રમતા આવતાં હોવાનું સામે આવ્યું છે. જુગારીઓમાં કોરોનાનો જરા પણ ડર ન હોય તે રીતે મોટી સંખ્યામાં બન્ને માળ પર જુગાર રમતાં રેડમાં ઝડપાયાં છે. દરેક માળ પર અલગ અલગ પ્રકારના જુગાર રમાડવામાં આવતા હતા.
પોલીસે શટર તોડી રેડ કરી – આસિફ ગાંડાનું જુગારધામ શટર બંધ કરીને ચાલતું હતું. જેથી સૌ પ્રથમ સ્ટેટની ટીમે શટર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. પોલીસની રેડની જાણ થતાં જ જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મોટી સંખ્યામાં જુગારીઓને જોતા અને સેન્સિટીવ વિસ્તાર હોવાથી સ્ટેટની ટીમે સ્થાનિક પોલીસની પણ મદદ માંગી હતી. સ્થાનિક પોલીસ આવતાં તમામ જુગારીઓને ઝડપી લેવાયાં હતાં.