Western Times News

Gujarati News

સુરતમાં ૧૩૩ કરોડનો ૧૧૮મો બ્રિજ, ૧૫ લાખ લોકોને ફાયદો

સુરત, બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત સિટીમાં નવો અને ૧૧૮મો બ્રિજ મળવા જઈ રહ્યો છે. જે ગુજરાતનો સૌથી લાંબો ૨૬૪૩ મીટર છે. આ બ્રિજના કારણે ૧૫ લાખ લોકોને ફાયદો અને ભયંકર ટ્રાફિકમાંથી રાહત સાથે હાઈવે સાથે સીધી કનેક્ટિવિટી મળશે. બ્રિજના કારણે રીંગરોડ ફ્લાય ઓવરબ્રિજ પરથી સીધેસીધા સુરત-કડોદરા રોડ તરફ રેલવે લાઈન ક્રોસ કરીને જઈ શકાશે.

બ્રિજના કારણે શહેરના વરાછા વિસ્તાર થઈ સુરત-કામરેજ રોડ તરફ જવા માટે પણ અલગ રેમ્પ આપવામાં આવ્યો છે. રીંગરોડથી વરાછા વિસ્તાર થઈ સુરત-કામરેજ રોડ તરફ જવા માટે પણ એક નવી કનેક્ટિવિટી બનાવવામાં આવી છે.

આ સાથે રેલવે સ્ટેશન તરફથી સુરત-કડોદરા રોડ તરફ જતાં ટ્રાફીકને પણ આ બ્રિજનો ઉપયોગ કરી ટ્રાફીકજામની સમસ્યામાંથી મુક્તિ મળી શકે તેમ છે. ૧૩૩.૫૦ કરોડના ખર્ચે બનનાર આ ફ્લાય ઓવર-રેલવે ઓવર બ્રિજના કારણે સુરત શહેરની ટ્રાફીક સમસ્યામાં આમોલ પરિવર્તન આવી શકશે તેમજ શહેરના ઘણી ખરી વસ્તીને ટ્રાફીકજામની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી શકશે.

જેના કારણે લોકોનો સમય અને ઈંધણનો પણ ખુબ બચાવ થઈ શકશે અને શહેરના પ્રદૂષણમાં ઘટાડો થતા શહેરના એર ક્વોલિટી ઈન્ડેક્ષમાં પણ સુધારો થશે.સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે આ બ્રિજ ગુજરાતનો રેલવે ઓવરબ્રિજ સૌથી લાંબા બ્રિજમાં સ્થાન પામ્યો છે. સુરત શહેરમાં જે પ્રકારે સતત વિકાસ થઈ રહ્યો છે.

તેની યાદીમાં વધુ એક બ્રિજના ઉમેરો થયો છે. આ બ્રિજ બનવાથી વરાછા કામરેજ અને એપીએમસી માર્કેટથી કડોદરા તરફનો હાઈવેની કનેક્ટિવિટી મળી જશે. સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સંબંધીઓનો ધસારો અને રીંગ રોડ ઉપરની જે ટેક્સ્ટાઇલ માર્કેટની ટ્રાફિકમાંથી ઘણે અંશે રાહત મળી જશે.

રેલવે ઓવરબ્રિજની લંબાઈ અને ઊંચાઈ ખૂબ જ મહત્વની છે. બ્રિજ ડિઝાઇન એક્સપર્ટ કરનારી ટીમ સાથે રહીને આ કામ કરવામાં આવ્યું છે જેથી કરીને ટેકનિકલ રીતે પણ ખૂબ જ મજબૂત બન્યો અને દેખાવની દ્રષ્ટિએ પણ સુંદર લાગી શકે.

સુરત શહેરમાં આશરે ૩૦થી ૪૦ વર્ષ અગાઉ રીંગરોડ ઉપર ટેક્ષટાઈલ માર્કેટની શરૂઆત થઈ, ટેક્ષટાઈલ માર્કેટનાં કારણે ટેક્ષટાઈલ ઉદ્યોગે શહેરમાં હરણફાળ ભરી હતી. જેના પરિણામે શહેરનો કાપડ ઉદ્યોગ માત્ર વણાટ કામ જેવા મર્યાદીત ક્ષેત્ર ઉપરાંત ડાઈંગ, પ્રિન્ટીંગ, કેમિકલ્સ, એમ્બ્રોડરી જેવા અનેક સંલગ્ન ક્ષેત્રે વિકસ્યો અને વિશ્વ વિખ્યાત થયો છે.

શહેરનાં આવા આધૌગિક વિકાસને પરીણામે રીંગરોડ પર સહારા દરવાજાની આસપાસ અનેક નાની મોટી ટેક્ષટાઈલ માર્કેટો બની અને સુરત રેલવે સ્ટેશનની નજીક આવેલ આ વિસ્તારોમાં વેપાર-વાણિજયના અસાધારણ વિકાસને કારણે ટ્રાફીકની સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું.

આ ટ્રાફીકની સમસ્યાના નિવારણ હેતુ આશરે ૨૫ વર્ષ પહેલા સહારા દરવાજા જંકશન નજીક આશરે ૧૮૭૦.૦૦ મી . લંબાઈનો મુખ્ય બ્રિજ તથા ૬૫૦મી.ના ચડતા-ઉતરતા રેમ્પ મળી કુલ ૨૫૨૦.૦૦ મી. લંબાઈ તથા ૧૬.૫૦ મી. પહોળાઈનો મુખ્ય બ્રિજનો ૬.૦૦ મી. પહોળાઈનો રેમ્પ ધરાવતા બ્રિજનું આયોજન હાથ ધરી બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.