Western Times News

Gujarati News

સુરતમાં ૧૪ દિવસની બાળકી કોરોના સામે જંગ હારી ગઈ

Files Photo

સુરત: સુરતની ડાયમંડ હૉસ્પિટલ ખાતે સારવાર હેઠળ ૧૪ દિવસની બાળકીનું કોરોનાથી નિધન થયું છે. બાળકીની માતા કોરોના પોઝિટિવ હોવાથી તેનો ચેપ બાળકીને લાગ્યો હતો. ખાનગી હૉસ્પિટલ ખાતે ૧૪ દિવસની બાળકીના નિધનથી ફક્ત પરિવાર જ નહીં પરંતુ હૉસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પણ ગમગીન થઈ ગયો હતો. બાળકીને બચાવવા માટે ખૂબ મહેનત કરવામાં આવી હતી.

સુરતના પૂર્વ મેયર ડૉક્ટર જગદીશ પટેલે બાળકીને મદદ કરવા માટે પ્લાઝમાનું દાન કર્યું હતું. જાેકે, બાળકીને બચાવી શકાઈ ન હતી. હૉસ્પિટલ ખાતે બાળકીને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. દીકરીના નિધન બાદ તેના પરિવારના લોકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. બાળકીને જન્મ બાદ ચેપ લાગ્યો હોવાથી સારવાર માટે દાખલ કરાઈ હતી. તેને રેમડેસિવીર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું. જાેકે, અંતે બાળકીએ દમ તોડી દીધો હતો.

એક અહેવાલ પ્રમાણે સુરતમાં ૧૦ વર્ષથી ઓછી ઉંમરના હોય તેવા ૨૮૬ બાળકોને કોરોનાનું સંક્રમણ લાગી ગયું છે. શહેરની ખાનગી હૉસ્પિટલોમાં આવા બાળકોને દાખલ કરાયા છે. ત્રણ દિવસ પહેલા જ સુરતમાં કોરોનાથી ૧૪ દિવાસના બાળકનું મોત થયું હતું. સુરતની ડાયમંડ હૉસ્પિટલ ખાતે પહેલી એપ્રિલના રોજ બાળકીનો જન્મ થયો હતો. જન્મ વખતે બાળકીની માતા કોરોના પોઝિટિવ છે કે કેમ તે અંગે ડૉકટરને કોઇ જાણ ન હતી. બાળકીની એકાએક તબિયત બગડતા ડૉક્ટરને શંકા જતા તેમણે બાળકનો એક્સ-રે કરાવ્યો હતો.

જેમાં બાળકીને કોરોના સંક્રમણ લાગ્યું હોવાનો ખુલાસો થયો હતો. બાળકીની માતાને શરદી અને ખાંસી હતા. આથી માતાએ કોવિડ ટેસ્ટ પણ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. આથી તેણે પોતાની શરદી-ખાંસીને વધુ ગંભીરતા લીધી ન હતી.

ફરી વખત માતાનો ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જાેકે, માતાએ ડૉક્ટરને પોતાને શરદી ખાંસી હોવા અંગે કોઈ માહિતી આપી ન હતી. માતાપિતાને વધુ મુશ્કેલી ન થાય તેને ધ્યાનમાં રાખીને ડાયમંડ હૉસ્પિટલે બાળકીને સારવાર તેની જ હૉસ્પિટલમાં કરવામાં ર્નિણય કર્યો હતો. આ સમયે બાળકીની મદદે ભૂતપૂર્વ મેયર ડો. જગદીશ પટેલ આવ્યા હતા.

પૂર્વ મેયર અને બાળકીનું બ્લડ ગ્રુપ મેચ થતું હોવાથી જગદીશ પટેલે બાળકી માટે પ્લાઝમાનું દાન કર્યું છે. બે દિવસ પહેલા સૌથી ઓછી ઉંમરમાં કોરોનાથી નિધન થયાનો રાજ્યનો પ્રથમ એવો કિસ્સો સુરતમાં નોંધાયો હતા. જેમાં માત્ર ૧૪ જ દિવસની બાળકીને કોરોના ભરખી ગયો હતો. બાળકના જન્મના ત્રીજા દિવસે તેની તબિયત બગડતાં સારવાર અર્થે વ્યારા હૉસ્પિટલમાં ખસેડાયી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.