Western Times News

Gujarati News

સુરતમાં BBAમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ટ્રક ચાલક અડફેટે લઈને ફરાર, CCTV મળ્યા

ટ્રકે વિદ્યાર્થીને કચડી નાખ્યાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા

સુરત, સુરત શહેરમાં ટ્રક ચાલકો જાણે કે યમદૂત બનીને બેફામ બનીને વાહનો હાંકી રહ્યા છે. શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો જાેવા મળી રહ્યો છે. થોડા જ દિવસ પહેલા સુરતના કતારગામ વિસ્તારમાં એક બેફામ ટ્રક ચાલાકે યમદૂત બનીને બીબીએના વિદ્યાર્થી જય ઈટાલિયાને કચડી નાંખ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જેના જાેઈને જ ખબર પડે છે કે અકસ્માત કેટલો ગંભીર હતો. ગુજરાતના મહાનગરો જાણે કે માર્ગ અકસ્માતોનું હબ બની ગયા છે. અહીં અવારનવાર મોટા વાહન ચાલકો કે પછી ડ્રાઈવરો બેફામ ડ્રાઈવિંગના કરીને માર્ગ અકસ્માતો સર્જતા રહે છે. કતારગામ વિસ્તારમાં ગત ૨૫મી જાન્યુઆરીનાં રોજ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

બીબીએમાં અભ્યાસ કરતા જય ઇટાલિયા નામનાં વિદ્યાર્થીને એક ટ્રક ચાલક અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે ફૂટેજ મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ફૂટેજમાં નજરે પડે છે કે, સફેદ કલરનું ટૂ-વ્હિલર લઈને આવી રહેલો વિદ્યાર્થી પૂર ઝડપે ચાલી રહેલા એક ટ્રકની અડફેટે આવી જાય છે. ઘટના બાદ ચાલક ટ્રકમાંથી ઉતરીને ફરાર થઈ જાય છે. કતારગામ પોલીસે હાલમાં ટ્રક કબજે કર્યો છે. આ દરમિયાન લોકો મદદ માટે દોડી આવે છે. વિદ્યાર્થી ટ્રકના વ્હિલમાં આગળ સુધી ઢસડાય છે. આ દરમિયાન ટ્રક ચાલકને અકસ્માતનું ભાન થાય છે. જે બાદમાં તે ટ્રક મૂકીને નાસી જાય છે.

અહીં એ નોંધવું રહ્યું કે, સુરત શહેરમાં સાંજે ચાર વાગ્યા પછી ભારે વાહનોને પ્રવેશવાની છૂટ નથી. આમ છતાં શહેરમાં હપ્તાખોરી કે પછી પોલીસની જ રહેમ નીચે વાહનો પ્રવેશી જતા હોય છે. આ વાહનો અવારનવાર અકસ્માત સર્જે છે. ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ થતો હોવા છતાં પોલીસ શા માટે પગલાં નથી ભરતી તે પણ સવાલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.