Western Times News

Gujarati News

સુરતમાં BRTS બસે વધુ એક યુવાનને ટક્કર મારી

Files Photo

અમદાવાદ: સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી બીઆરટીએસ બસ અને સીટી બસના અકસ્માતોની વણથંભી વણઝાર જાણે ચાલ્યે જ જાય છે. આજે પણ સુરતના રૂપાલી નહેર પાસે કેનાલમાં કચરો નાંખવા આવેલા એક યુવકને બેફામ રીતે માંતેલા સાંઢની જેમ પૂરપાટઝડપે આવેલી બીઆરટીએસ બસે અડફેટે લીધો હતો. જેના કારણે યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યો હતો. બીજીબાજુ, બનાવની જાણ થતાં ખટોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

તો, સુરતમાં બીઆરટીએસના રોજેરોજના અકસ્માતોને લઇ સ્થાનિક લોકોમાં બીઆરટીએસ અને સીટી બસની મોતની સવારીને લઇ ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને સાથે સાથે ભય અને ફફડાટની લાગણી પણ ફેલાયેલી જાવા મળી રહી છે. ખટોદરા વિસ્તારમાં રૂપાલી નહેર પાસે મૂળ નેપાળના વતની અને પનાસ ગામમાં રહેતા અને ખાનગી કારનું ડ્રાઈવીંગ કરતાં અમર બહાદુર લાલ બહાદુર બડેખા(ઉ.વ.આ.૪૦)ના ઉમરા રૂપાલી નહેર પરથી બીઆરટીએસનો રસ્તો ક્રોસ કરી રહ્યાં હતા એ સમયે બીઆરટીએસ રૂટમાં બસ(જીજે ૦૫ બીએક્સ ૧૩૮૨)ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી બસની અડફેટે અમર બહાદુરને લઇ લીધા હતા. જેના કારણે તે ગંભીર ઇજાઓ સાથે નહેરમાં ફેંકાઇ ગયા હતા.

અક્સ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ત્યાં દોડી આવ્યા હતા અને લોકોએ ઈજાગ્રસ્તને નહેરમાંથી બહાર કાઢીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્‌યાં હતાં. બીજી તરફ ઈજાગ્રસ્તના પુત્રએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો અકસ્માત કર્યા બાદ લોકોએ તેને ફટકાર્યો પણ હતો. હાલ ખટોદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.