સુરત-અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર, રાજ્યમાં ૮૦ ટકા દર્દીઓ ઘરમાં ક્વોરેન્ટાઈન
સુરત: સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેને વધારી ચિંતા છે. વધતા કેસ વચ્ચે નવા સ્ટ્રેન વધ્યા હોવાની આશંકા તંત્રને લાગી રહી છે. જેથી હવેથી સુરતમાં ટ્રાવેલ હિસ્ટ્રીવાળા લોકોના સેમ્પલ પૂણે મોકલાશે. તેમજ જરૂર લાગશે તો નવી સિવિલ હોસ્પિટલની કિડની હોસ્પિટલનો પણ કોરોના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાશે. સુરતના ઓએસડી મનપા કમિશનરની અધ્યક્ષતામાં સિવિલ હોસ્પિટલમાં બેઠક મળી છે.
સુરત અને અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ગયુ છે. અમદાવાદ અને સુરતમાં નવા ૪૮૩ કેસ અને ૨-૨ દર્દીઓનાં મોતથી આરોગ્ય વિભાગ ચિંતામાં વધી ગઈ છે. અમદાવાદમાં માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનની સંખ્યા ૧૭૫ પર પહોચી ગઈ છે. તો સુરતમાં કોરોના બેકાબૂ બનતા કન્ટેનમેન્ટ ઝોન વધ્યા છે. સાંઈ દર્શન સોસાયટીના ૮૦૦ મકાન ક્વોરન્ટાઈન કરાયા છે. ડીંડોલની સાઈ દર્શન સોસાયટીમા અઠવાડિયામાં ૧૪ કેસ નોંધાયા છે. તેથી મનપા કમિશનર અને સ્પેશિયલ અધિકારીએ સોસાયટીની વિઝીટ કરી હતી. સોસાયટીની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ૩૫૦૦ની વસ્તીવાળી સાંઈ દર્શન સોસાયટીમાં કોરોનાનો કહેર ફૂંફાડા મારી રહ્યો છે.
ગુજરાતમાં પહેલીવાર કોરોનાના સૌથી વધુ ૧૬૪૦ નવા કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ૨-૨ મળી કુલ ૪ દર્દીના મોતના આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કુલ ૮૦ ટકા દર્દીઓ ઘરમાં ક્વોરેન્ટાઈન છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી ૧૫૦૦થી વધુ કેસ આવી રહ્યા છે. ૨૦ માર્ચે ૧૫૬૫, ૨૧ માર્ચે ૧૫૮૦ અને ૨૨ માર્ચે ૧,૬૪૦ કેસ નોંધાયા છે. છેલ્લા ૩૦ દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ થઈ છે અને સાજા થનારા ઓછી થતી જઈ રહી છે.
તો બીજી તરફ, છેલ્લા ૨૪ કલાકમાં એક માત્ર પોરબંદર જિલ્લામાં કોરોનાના નવા કોઈ કેસ નોંધાયા નથી. કોરોના સામે કાબુ લેવા માટે રાજ્યમાં રસીકરણ પણ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૩૯ લાખ લોકોને રસી અપાઈ છે. જેમાં પહેલા ડોઝમાં ૩૩ લાખ જ્યારે બીજા ડોઝમાં ૬ લાખ લોકોનું રસીકરણ કરાયું છે. ગઈકાલે એક દિવસમાં ૨.૨૨ લાખ જેટલા લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. એટલે કે છેલ્લા એક મહિનામાં દૈનિક કેસમાં ૫ ગણો, જ્યારે કે એક્ટિવ કેસમાં ચાર ગણો વધારો થયો છે. જ્યારે રિકવરી રેટમાં ૧.૮૦ ટકાનો ઘટાડો થયો છે. એક મહિનામાં ૨૦ હજારથી વધારે કેસ વધી ગયા છે.