સુરત કોવિડ હોસ્પિટલમાંથી અનેક ફરિયાદ મળી રહી છે
૨૪ કલાક પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવા સાંસદ દર્શના જરદોશે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે
સુરત, શહેરમાં કોરોનાને કાબૂમાં લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે. આ તમામની વચ્ચે નવી સિવિલ હોસ્પિટલમાં સાફ સફાઈ યોગ્ય થાય તે માટે અનેક ફરિયાદ આવી રહી છે. કોવિડ દર્દીઓને તબીબોએ વધુને વધુ પાણી પીવા સૂચન કર્યું છે. તો બીજી તરફ એપ્રિલ મહિનામાં ગરમીમાં અને ગરમ દવાના કારણે દર્દીઓમાં પીવાના પાણીનો વપરાશ વધુ છે.
એટલે અહીં ૨૪ કલાક પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવા સાંસદ દર્શના જરદોશે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. સાંસદે પત્રમાં લખ્યું છે કે, હોસ્પિટલમાં યોગ્ય પ્રમાણમાં પીવાનું પાણી પણ નથી પહોંચાડવામાં આવ્યું એવી અનેક ફરિયાદો મળી રહી છે, જે ચિંતાજનક છે. સરકાર દ્વારા સિવિલ ખાતે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે,
પરંતુ એ કોન્ટ્રાક્ટર દ્વારા ભોજન કેવું અને ક્યારે આપવામાં આવે છે. એની ચિંતા કરવી પડશે એવી સ્થિતિ છે. કોન્ટ્રાક્ટર દ્વારા આ અંગે સ્ટાફ વધારવા સાથે ગરમ ભોજન અને સમયસર ભોજન પહોંચે તે માટે આદેશ કરાયા અથવા તો એની ક્ષમતા ન હોય તો બીજી વ્યવસ્થા અંગે વિચાર કરવો જાેઈએ.
સાંસદે વધુમાં જણાવ્યું હતું કે, હાલ સિવિલમાં જે પ્રમાણે દર્દીઓ આવી રહ્યા છે. એની સામે તબીબ ઓછા છે. એ પરિસ્થિતિમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ પોતાની ચિંતા કર્યા વગર ૨૪ કલાક કાર્યરત છે. ત્યારે એમની મદદમાં જે કોઈ સેવાભાવી સંસ્થા કાર્ય કરવા માગતી હોય તેમને માટે પરવાનગી આપવામાં આવે અને સ્ટાફ માટે સુવિધાઓ અંગે ચિંતા કરી ખૂટતી સુવિધા પૂરી પાડવામાં આવે.
દર્દીઓના સગાંઓને એમને મળવા દેવાનું સલાહ ભર્યું નથી, પરંતુ જે ૧૦ દિવસ અગાઉ પોતાના વ્યક્તિ માટે ફળ કે અન્ય વસ્તુ આપી જતી હોય અથવા શહેરની સેવાભાવી સંસ્થા સેવાની ભાવનાથી દર્દીઓને માટે ફળો વગેરે આપી જતી હોય તો તે જેતે વ્યક્તિ સુધી સારી હાલતમાં અને સમયસર પહોંચવું આવશ્યક છે. સરકાર દ્વારા કરવામાં આવેલી મહેનત અને પ્રયાસો પર પાણી ફરી વળે એવી આશંકા અને ચિંતાથી આ પત્ર લખ્યો છે.