સુરત ખાતે BRTS રૂટમાં બસે ટક્કર મારતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત
સુરત:ગત રોજ જ સિટી બસની અડફેટે ત્રણના મોતનો રોષ હજું શાંત થયો નથી. ત્યાં ઉધના દક્ષેશ્વર મંદિર સામે બીઆરટીએસ રૂટમાં બાઈક ચાલકને સિટી બસે અડફેટે લીધો હતો. અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, અકસ્માતના પગલે રોષે ભરાયેલા લોકોએ સિટી બસના ડ્રાઈવરને બસમાંથી બહાર કાઢી માર માર્યો હતો. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ પરિસ્થિતી પર કાબુ મેળવી લીધો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સીટી બસ અને બીઆરટીએસના ચાલકો બેફામ બનીને બસ હંકારતા હોય છે. બસ ચાલકો બસની સીટ ઉપર બેઠા બાદ સામાન્ય રાહદારી અને વાહન ચાલકોને ગણકાર્યા વગર બેફામ બસ હંકારતા નજરે પડે છે. શહેરમાં દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં સીટી બસ કે બીઆરટીએસ બસ દ્વારા અકસ્માત સર્જાય છે. મહાનગરપાલિકા દ્વારા અકસ્માત સર્જનાર બસ ચાલકની સાથે કોન્ટ્રાક્ટર પર પણ કાર્યવાહી કરવી જાઈએ તેવી લોકોની માંગ સાંભળવા મળી છે. આજે દક્ષેશ્વર મંદિર પાસે બસના કાચ ફોડીને લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.