સુરત ગેસ કાંડમાં બે ભાગીદાર વૈરાગી અને નિલેશની ધરપકડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/Arrested-scaled.jpeg)
સુરત, સુરત શહેરના સચીન જીઆઇડીસીમાં થયેલા ગેસ કાંડમાં એક મહિલા સહિત ૬ નિર્દોષ મજુરોના મોત થવાની ગંભીર ઘટનામાં ક્રાઇમ બ્રાંચે અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનામાં સંગમ એન્વાયરોમેન્ટ કંપનીના આશિષ ગુપ્તાના ભાગીદાર મૈત્રેય વૈરાગી અને નિલેશ બેહરાની પણ ધરપકડ કરી છે.
બંનેને કોર્ટમાં રજુ કરીને ક્રાઇમ બ્રાંચે આગામી ૧૭ તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. વધારે મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના સચીન જીઆઇડીસી રોડ નં.૩ ઉપર નાળામાં ઝેરી કેમીકલ ઠાલવવાને કારણે ૬ મજુરોના મોત થયા હતા. આ ઘટનામાં સચીન જીઆઇડીસી પોલીસે માનવ વધનો ગુનો નોંધ્યો હતો.
ઘટનાની ગંભીરતાને પગલે આ પ્રકરણની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચે કેમીકલનો ગેરકાયદેસર નિકાલ કરવામાં સંડોવાયેલા પ્રેમસાગર ગુપ્તા, મુંબઇની હાઈકલ કંપની પાસેથી કેમીકલ વેસ્ટનો કોન્ટ્રાક્ટ લેનાર આશિષકુમાર ગુપ્તા કે જેની વડોદરામાં સંગમ એન્વાયરોમેન્ટના નામે કંપની ચાલે છે તેની ધરપકડ કરી હતી. તેમજ જયપ્રતાપ તોમર અને વિશાલ ઉર્ફે છોટુ યાદવને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ ચારેય આરોપીઓને ગઇકાલે કોર્ટમાં રજુ કરીને ૯ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીઓ પૈકી સંગમ એન્વાયરોમેન્ટના આશિષ ગુપ્તાના બે ભાગીદારો પણ હોવાનું ખુલતા ક્રાઇમ બ્રાંચે ભરૂચ જીએનએફસી કોલોની મુક્તાનંદ સોસાયટીમાં રહેતા મૈત્રય સનમુખ વૈરાગી અને નિલેશ પિતાંબર બેહરાની ધરપકડ કરી લીધી હતી.
આ બંને આરોપીને આજે ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં રજુ કરીને ૧૭ જાન્યુઆરી સુધીના ૮ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મૈત્રેય વૈરાગી અને નિલેશ પિતાંબર સંગમ એન્વાયરોમેન્ટના ભાગીદારો છે. કેમીકલ ઠાલવવામાં તેમની ભુમિકા પોલીસ દ્વારા તપાસવામાં આવશે તેમજ આ બે ભાગીદારો ઉપંરાત તેમની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તેની દિશામાં પોલીસ તપાસ કરશે. સચિન જીઆઇડીસીમાં ઝેરી કેમિકલનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાંચે તપાસ વધારી છે.SSS