સુરત ડ્રગ્સ રેકેટમાં હોટલના માલિકનો વોન્ટેડ પુત્ર ઝબ્બે
સુરત: સુરત શહેરમાંથી પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સ મામલે એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યાં છે. ડ્રગ્સ રેકેટમાં અત્યારસુધી સાત આરોપી ઝડપાયા છે.
જ્યારે આદિલ નામના એક યુવક વોન્ટેડ જાહેર કરાયો હતો, તેની પણ મોડી રાત્રે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આદિલ સુરતનાં ઘોડદોડ રોડ પર આવેલી કંસાર હોટલ તથા પેટ્રોલ પમ્પનાં માલિકનો પુત્ર છે. આદિલ દેશ છોડી ભાગી ન જાય તે માટે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરતમાંથી ૧.૩૧ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું. ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં આદિલ પહેલા સાત આરોપીઓની ધરપકડ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી પૂછપરછમાં સુરતમાં આ ધંધામાં સંકેત અને આદિલ તેના ભાગીદાર હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે સંકેતને એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. સંકેત કડોદરામાં એમડી ડ્રગ્સ બનાવતો હતો ત્યાં છાપો મારી તેને ઝડપી પાડ્યો હતો.
બીજી તરફ, ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આદિલ સલીમ નુરાનીને કડોદરા ખાતેથી ઝડપી લીધો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, આદિલ કંસાર હોટલના માલિકનો પુત્ર છે. કડોદરામાં જુના આરટીઓ પાસે કંસાર નામની હોટલ ઘણી જ જાણીતી છે.
આ ઉપરાંત આદિલનાં પરિવારનું કતારગામ-કડોદરા ખાતે પેટ્રોલ પમ્પ પણ છે. કરોડોમાં રમનારા આદિલનું ઘણું મોટું મિત્ર વર્તુળ છે એટલે ક્રાઇમ બ્રાંચ હવે તેની સાથે અન્ય કેટલા લોકો આ ધંધામાં સપડાયેલા છે
તેની તપાસ કરશે. સુરતની જાણીતી હોટલનાં માલિકનો દીકરો આદિલ બોલિવૂડ સ્ટાર જેવી લાઇફસ્ટાઇલ જીવે છે. તેનો ડુમ્મસમાં પણ એક ફ્લેટ રાખેલો છે જ્યાં તે વીક એન્ડમાં પાર્ટીઓ પણ કરે છે. ચર્ચાઓ પ્રમાણે આદિલ અનેક છોકરીઓ સાથે પણ સંબંધ ધરાવે છે.