સુરત પાંડેસરા- BRTS રૂટમાં અકસ્માતમાં બાળકનું મોત
માસુમ બાળકના મોતને લઇને લોકોના ટોળા એકઠા થઈ જતા માહોલ તણાવગ્રસ્ત
સુરત, સુરતના પાંડેસરા પ્રેમ નગર દરગાહ નજીક બીઆરટીએસ રૂટમાં જીએસઆરટીસીની વોલ્વો બસના ચાલકે પોતાનું વાહન ગંભીર બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી ૯ વર્ષના બાળકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વોલ્વો બસની અડફેટે મોતને ભેટેલો બાળક મૂળ મધ્યપ્રદેશનો વતની હોવાની અને અહીં નજીકમાં રહેતો હોવાની વાત સામે આવી હતી.
ગરીબ પરિવારના બાળકના મોતને લઇ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. લોકોમાં ભારોભાર આક્રોશ પ્રવર્તતો હતો અને સમગ્ર માહોલ તણાવગ્રસ્ત બન્યો હતો. જા કે, ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી લોકોને શાંત પાડી વિખેર્યા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં બનાવસ્થળની નજીક જ રહેતાં અને મૂળ મધ્યપ્રદેશના વતની એવા રાહુલ રાજુ રાજપૂત આજે સવારે તેના મિત્ર સાથે રમી રહ્યો હતો.
મૃતક રાહુલ માતા અને બે નાના ભાઈ સાથે રહેતો હતો. તે દરમ્યાન રમતાં રમતાં બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગયો હતો એ દરમ્યાન જીએસઆરટીસીની વોલ્વો બસના ચાલકે પોતાનું વાહન ગંભીર બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી ૯ વર્ષના રાહુલને કચડી નાંખ્યો હતો. ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. જેથી સાથી મિત્ર તેના કાકા પાસે દોડીને ગયો હતો અને રાહુલના અકસ્માત અંગે જાણ કરી હતી. ત્યારબાદ પરિવાર દોડીને પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
જા કે, ઘટના બાદ લોકોના ટોળે ટોળા ભેગા થઈ જતા માહોલ તણાવગ્રસ્ત થઈ ગયો હતો. જીએસઆરટીસીની વોલ્વો બસના ચાલકની સામે લોકોએ રોષ વ્યકત કર્યો હતો અને સખત નશ્યત કરવા માંગણી કરી હતી. ઘટના બાદ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે લોકોને સમજાવટ કરી ટોળા વિખેર્યા હતા. બાદમાં વોલ્વો બસનો ડ્રાઈવર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.