સુરત પાંડેસરા GIDCની રાણીસતી મિલમાં આગ લાગતા કારીગરોમાં નાસભાગ
પાંડેસરા જીઆઇડીસીમાં સવારે મિલ ખોલતાની સાથે જ બની ઘટના-ભીષણ આગને પગલે સમગ્ર વિસ્તાર ફાયરબ્રિગ્રેડના સાઈરનથી ધણધણી ઉઠ્યો
સુરત, પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રાણીસતી મિલમાં આજે સવારે દસેક વાગ્યાના આરસામાં અચાનક જ આગ લાગી હતી. મિલ ખુલતાની સાથે જ માત્ર ગણતરીની મિનિટોમાં આગ લગતા કારીગરીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.
માત્ર ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી મિલ આગની ઝપેટમાં આવી જતા આજુબાજુની મિલન સંચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. બનાવને પગલે શહેરના નવ ફાયર સ્ટેશનની કુલ ૧૭ ફાયરબ્રિગ્રેડની ગાડીઓ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી.
પાંચ કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા
રાણીસતી મિલમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના ગોટા પાંચ કિલોમીટરથી પણ વધુ દૂર સુધી દેખાયા હતા. શહેરના નવ અલગ અલગ ફાયર સ્ટેશનથી કુલ ૧૭ જેટલી ગાડીઓ ખડકી દેવામાં આવતા આખો વિસ્તાર ફાયરબ્રિગ્રેડના સાઈરનથી ધણધણી ઉઠ્યો હતો. ભીષણ આગના ગોટેગોટા દૂર દૂર સુધી સોસાયટીઓમાં દેખાતા કેટલાક લોકો ઘટના સ્થળે પણ આગ જોવા દોડી આવ્યા હતા પરંતુ પોલીસે તેઓને હાંકી કાઢ્યા હતા.
સમગ્ર બનાવ અંગે ફાયર વિભાગ કંટ્રોલમાંથી મળતી માહિતી અનુસાર સવારે ૧૦.૦૮ કલાકે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે પાંડેસરા જીઆઇડીસી બેન્ક ઓફ બરોડાની બાજુમાં આવેલ રાણીસતી મિલમાં આગ લાગી છે અને આગ મોટી છે.
જેથી ફાયર વિભાગે ગંભીરતાથી નોંધ લઇ શરૂઆતમાં જ કુલ પાંચ ફાયર સ્ટેશનની ૧૦ ગાડીઓ ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી હતી.
ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના અધિકારીઓએ કંટ્રોલમાં આગની હકીકત જણાવતા બીજા ચાર ફાયર સ્ટેશનમાંથી ૭ ગાડીઓ ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી હતી.
આ ઉપરાંત આગ વધુ વિકરાળ હોવાના કારણે શહેરના ચીફ ફાયર ઓફિસર બસંત પરિક સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ફાયરના જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ ત્રણ કલાકે આગને કાબુમાં લીધી હતી. વધુમાં મળતી માહિતી મુજબ આજે સવારે ડાઇંગ મિલ ખોલ્યા બાદ મિલમાં ડાંઈગ પ્રિન્ટીંગની અંદર આગળના ભાગમાં એકાએક આગ ભભુકી ઉઠી હતી.
અને જોતજોતામાં આખી મિલ આગની લપેટમાં આવી ગઈ હતી. આગને કારણે આસપાસની મિલોમાં પણ ફફડાટ ફેલાયો હતો.
અને આજુબાજીની મીલના કારીગરો પણ રસ્તા ઉપર દોડી આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલા ફાયરબ્રિગ્રેડના સ્ટાફ દ્વારા હાઈડ્રોલિક પ્લેટફોર્મવાળી ગાડીનો ઉપયોગ કરી આગને કાબુમાં લીધી હતી.
ખાનગી કંપની મદદે આવી
મિલમાં આગની ઘટનાને પગલે પાંડેસરા વિસ્તાર સહીત શહેરમાં મોટું નામ ધરાવતી કલરટેક્ષ મિલની ફાયર વિભાગની ગાડી સાથે આખો કાફલો ત્યાં આવી ગયો હતો. તેઓએ પણ તાત્કાલિક આગને કાબુમાં લેવા પાણીનો મારો કરવાની સાથે શહેરની ફાયર વિભાગની ટીમની મદદમાં જોતરાયા હતા. જેના કારણે ફાયર વિભાગને પણ ઝડપની કામગીરી કરવામાં સરળતા રહી હતી અને ઝડપથી આગને કાબુમાં લીધી હતી.
રાણીસતી મિલની ફાયર સિસ્ટમ કામ આવી
પાંડેસરામાં જે રાણીસતી મિલમાં આગ લાગી હતી તે મિલમાં પહેલેથી જ આખી ફાયર સિસ્ટમ લાગેલી હતી. જેના કારણે સુરત ફાયર વિભાગ દ્વારા આ સિસ્ટમનો પણ પૂરતો લાભ લેવામાં આવ્યો હતો. એક તરફ ફાયર વિભાગના જવાનો દ્વારા સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો હતો ત્યારે બીજી બાજુ ફાયર વિભાગના અન્ય જવાનો મિલમાં અંદર ઘુસી ગયા હતા અને મિલની ફાયર સિસ્ટમને પણ આગને કાબુમાં લેવા વપરાશ કર્યો હતો.
નવ ફાયર સ્ટેશનની ૧૭ ગાડીઓ કામે લગાવાઈ
ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સુરત શહેરના નવ ફાયર સ્ટેશનની કુલ ૧૭ ગાડીઓ ઘટના સ્થળે આગની કામગીરીમાં ખડકી દેવામાં આવી હતી. ભેસ્તાન, ડિંડોલી, માન દરવાજા, મજુરા, મોરા ભાગળ, કતારગામ, ડુંભાલ, અડાજણ અને નવસારી બજાર સહી કુલ ૯ ફાયર સ્ટેશનની ૧૭ ગાડીઓ ઘટના સ્થળે આગ ઓલવવાની કામગીરીમાં જોતરાઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
ડાઇંગ મિલ દિવાળી પહેલાથી બંધ હતી
ફાયર વિભાગના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ મોટા ભાગના કારીગરો ગામ હોવાના કારણે હજુ સુધી મિલ બંધ જ હતી. દિવાળી બાદ પહેલીવાર આજે મિલ ખોલી હતી. મિલ શરુ કર્યા બાદ માત્ર ગણતરીની મિનિટોમાં અચાનક જ આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડાઇંગ પ્રિન્ટીંગમાં ઓઇલ લિકે થવાથી કદાચ આ દુર્ઘટના બની હોય.