Western Times News

Gujarati News

સુરત મહાનગરમાં કુલ ૮૫૫ હેકટર્સ જમીન રિઝર્વેશનમાંથી મુકત થતા નાગરિકોને સસ્તા દરે આવાસ મળશે

મુખ્યમંત્રીશ્રીનો સુરત મહાનગર માટે ઐતિહાસિક નિર્ણય -સુરત શહેરના ડેવલપમેન્ટ પ્લાનમાં રખાયેલી ૧૬૬૦ હેકટર જમીનોના ૨૦૧ જેટલા વિવિધ રિઝર્વેશનમાંથી ૩૦ વર્ષથી ચાલતા આવતા પ્રશ્નોનું જનહિતમાં નિવારણ લાવતા શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરત શહેરી વિકાસ સત્તા મંડળ( State CM Vijay Rupani at Surat, SUDA) અને સુરત મહાનગરપાલિકા (Surat Mahanagar palica, SMC) વિસ્તાર સહિતની ૧૦૮૫ ચોરસ કિ.મી. વિસ્તારની વિકાસ યોજના ડેવલપમેન્ટ પ્લાન(DP)માં વિવિધ એજન્સીઓ માટે જાહેર હેતુ માટે સૂચવાયેલી અનામત જમીનો અંગે મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ સુરત મહાનગરના નાગરિકોને દેવ દિવાળીની ભેટ આપતા ત્રણ દાયકા જૂના પ્રશ્નોનું જનહિતમાં નિવારણ કર્યું છે.  તદ્અનુસાર ડી.પી.માં રખાયેલી આશરે ૧૬૬૦ હેકટર જમીનોના ૨૦૧ જેટલા વિવિધ રિઝર્વેશન પૈકી ૩૦ વર્ષથી વધુ સમયના રિઝર્વેશનની જમીનોને મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. સુરત શહેરની હાલની જરૂરિયાત ધ્યાને રાખીને ૫૦ ટકા કપાતના ધોરણે ટી.પી. સ્કીમ બનાવી આ જમીનો રિઝર્વેશનમાંથી છુટી કરાશે.

મુખ્યમંત્રીશ્રી સાથે ગાંધીનગરમાં સુરતના મેયર સહિત મહાનગરના પદાધિકારીઓ, સુરત મ્યુનિસિપલ કમિશનર તથા સુડાના અધિકારીઓએ કરેલા પ્રેઝન્ટેશન અને ચર્ચા વિચારણા બાદ મુખ્યમંત્રીશ્રીએ આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાશનાથન, શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી તથા મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી મનોજકુમાર દાસ પણ જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીના નિર્ણયના પરિણામે સુરત મહાનગરના વિકાસ માટે જે તે સંસ્થા દ્વારા સંપાદનની કાર્યવાહી શરૂ થઇ હોય તથા સુરત મહાનગરપલિકા દ્વારા ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટની કલમ ૭૮ હેઠળ સંપાદનની મંજૂરી મેળવી હોય તે કિસ્સા સિવાયની તમામ જમીનોમાં ૫૦ ટકા કપાત લઇ રિઝર્વેશનમાંથી મુક્ત કરવામાં આવશે.

શ્રી વિજયભાઇ રૂપાણીના સુરત મહાનગર માટેના આ નિર્ણયથી જાહેર સુવિધા માટે રખાયેલી સુડા વિસ્તારની અંદાજે ૫૦ હેકટર અને સુરત મહાનગરપલિકા વિસ્તારની આશરે ૩૯૦ હેકટર મળીને કુલ ૪૪૦ હેકટર જમીન રિઝર્વેશનમાંથી મુક્ત થશે.

એટલું જ નહીં અન્ય હેતુઓ અને એજન્સી માટે અનામત રખાયેલી ૪૧૫ હેકટર જેટલી જમીનો પણ રિઝર્વેશનમાંથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવી રિઝર્વેશન મુક્ત જમીનોમાં સત્તા મંડળ દ્વારા ૫૦ ટકાના ધોરણે ટી.પી.સ્કીમ બનાવવામાં આવશે.

સુરત શહેરમાં કુલ મળીને ૮૫૫ હેકટર જેટલી જમીનો આમ રિઝર્વેશન મુક્ત થવાના કારણે બાંધકામ માટે ઉપલબ્ધ થશે અને લોકોને સસ્તાદરે આવાસો મળી રહેશે. તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ વેગ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.