સુરત: મોરાભાગળમાં ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલા સલીમ ખલીલની હત્યા

સુરત, સુરતમાં રાંદેરના મોરાભાગળ વિસ્તારમાં ગઈકાલે મોડીરાત્રે સલીમ ખલીલ નામના યુવકની હત્યા થઈ હતી. ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલો સલીમ ખલીલ તેના મિત્ર સાથે હતો.
દરમિયાન ત્રણ જેટલા યુવકોએ તેના ઉપર હુમલો કરી ઘાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. સલીમ ઉપર ચપ્પુના ઘા ઝીંકાતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તેમજ તેની સાથીમિત્રને પણ ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોડી રાત્રે બનેલી ઘટનાથી રાંદેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી.
ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ કરતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સલીમ ખલીલમાના મિત્રએ ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓના નામ પોલીસને આપ્યા હતા. જેને આધારે રાંદેર પોલીસ દ્વારા ત્રણેય યુવકોની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વ્યાજખોરીના ધંધા સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે.
એસીપી ઝેડ આર દેસાઈએ જણાવ્યું કે સલીમ ખલીલ નામના યુવકની ગઈકાલ મોડીરાત્રે હત્યા થઈ હતી જેની તપાસ શરૂ કરવામાં આવી છે. સલીમ ખલીલ ફાઇનાન્સ અને શાકભાજીના ધંધા સાથે સંકળાયેલો હતો. તેના મિત્રને હાલ સારવાર આપવામાં આવી રહી છે. જેના જણાવ્યા પ્રમાણે રવિ, અજય અને રફીક નામના યુવકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ હત્યા પાછળ આર્થિક કારણો જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે.