સુરત: યુવાનને અચાનક પેટમાં દુખાવો અને ઝાડા-ઊલટી બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો: મૃત જાહેર કરાયો
સુરત, સુરતના લીંબાયત નીલગિરિ વિસ્તારમાં એક યુવાનને અચાનક પેટમાં દુખાવો બાદ ઝાડા-ઊલટીની ફરિયાદ સાથે સિવિલ લવાતાં મૃત જાહેર કરાયો હતો. મૃતક હેમંત પાટીલે બે દિવસ પહેલાં કોરોનાની વેક્સિન લીધા બાદ હાથમાં દુખાવો શરૂ થઈ ગયો હોવાનું ભાઈ મહેન્દ્રએ કહ્યું હતું. હેમંતના શંકાસ્પદ મોતને લઈ મૃત્યુનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ જરૂરી હોવાનું મેડિકલ ઓફિસર ડો. આર.ડી. બર્મને જણાવ્યું હતું.
મહેન્દ્ર પાટીલ (મૃતકનો મોટા ભાઈ)એ જણાવ્યું હતું હેમંત લીંબાયત નીલગિરિની શ્રી સાંઈનાથ સોસાયટીમાં માતા-પિતા સાથે રહેતો હતો. મહારાષ્ટ્રના વતની હેમંતભાઈ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતો હતો. બે દિવસ પહેલાં લીંબાયતમાં કોરોના વેક્સિન લીધા બાદ હાથમાં દુખાવો રહેતો હોવાનું ભાઈએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે ગુરુવારની રાતથી હેમંતને પેટમાં દુખાવો અને સ્નાયુ ખેંચાતા હોવાની ફરિયાદ બાદ અચાનક ઝાડા-ઊલટી શરૂ થઈ ગયાં હતાં. આખી રાત દુખાવાની ફરિયાદ સાથે તડપતા ભાઈને આજે સવારે 108માં સિવિલ લઈ આવતાં મૃત જાહેર કરાયો હતો. એટલું જ નહીં, પણ ભાઈનું મૃત્યુ વેક્સિન લીધાના 48 કલાક બાદ થતાં અનેક પ્રશ્નો ઊભા થયા હોવાનું જણાવ્યું હતું.