સુરત રિંગરોડ પર ટેનામેન્ટના બંધ મકાનમાંથી રોકડની ચોરી
સુરત, રિંગરોડ પર આવેલ માનદરવાજા ટેનામેન્ટમાં રહેતો પઠાણ પરિવાર ગતરોજ રાત્રે બહાર હતો ત્યારે રાત્રીના સમયે કોઈ અજાણયા ચોર ઈસમોએ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનનું તાળું તોડી ચોર અંદર પ્રવેશી ઘરમાં મુકેલા રોકડા રૂપિયા, બે મોબાઈલ અને સોનાની કાનની બુટ્ટી મળી ૪૯,૨૦૦ રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.
બનાવને પગલે આખરે ભોગ બનનારે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણયા ચોર ઈસમ સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે સલાબતપુરા વિસ્તારમાં આવેલ માનદરવાજા એસએમસી આવાસ બિલ્ડીંગ નંબર ૪ સી/૫૬માં રહેતા કલીમખાન સલીમખાન કરીમખાન પઠાણ માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ રાત્રી દરમિયાન તેમનું ઘર બંધ હતું ત્યારે કોઈ અજાણયા ચોર ઈસમે આ તકનો લાભ લીધો હતો અને ઘરમાં ઘુસી લેડીઝ પર્સમાં રાખેલ કલીમખાનનું પાનકાર્ડ તેમજ નાના ભાઇની એસ.બી.આઇ બેન્કની પાસ બુક તેમજ આધાર કાર્ડ તેમજ બીજા પર્સમા રાખેલ રોકડા રૂપિયા ૨૫,૦૦૦ ની ચોરી કરી હતી.
આ ઉપરાંત અજાણયા ચોર ઈસમે બે મોબાઈલ, સોનાની ઇયર રીંગ નંગ-૦૨, તેમજ કાનમા પહેરવાની બુટી નંગ-૦૨ મળી કુલ ૪૯,૨૦૦ રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે સવારે કલીમખાનને જાણ થતા તેઓએ સલાબતપુરા પોલીસને જાણ કરી હતી. સલાબતપુરા પોલીસે કલીમખાનની ફરિયાદ લઇ ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.