સુરત લિંબાયત- જપ્ત કરેલી ૧૦ બાઈક સહિતના વાહન પોલીસ ગોડાઉનમાં આગથી ખાખ
સુરત, સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મારૂતિનગર ખાતે પોલીસનું ગોડાઉન આવેલું છે. જેમાં જપ્ત કરેલા વાહનો રાખવામાં આવે છે. આજે મળસ્કે ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી., જેમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલી દસ બાઇક સહિતના વાહન બળીને ખાખ થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
બીજીબાજુ, આ પ્રકારે લાગેલી આગને લઇને હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને પોલીસે જપ્ત કરેલા કે ઉઠાવાયેલા વાહનો અહીં રાખવામાં આવતાં હતા ત્યારે પોલીસ તંત્રની બેદરકારીના કારણે લાગેલી આગમાં નાગરિકોના વાહનો બળીને ખાખ થઇ જતાં હવે તેની જવાબદારી કોની તેને લઇ ગંભીર સવાલો ઉઠયા છે. કેટલાક નાગરિકોએ આ મામલે તપાસ કરી કસૂરવારો સામે પગલાં લેવાની પણ માંગ કરી હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મારૂતિનગર ખાતે પોલીસ દ્વારા વાહનો રાખવા માટે એક ગોડાઉન જેવી જગ્યા આવેલી છે.
ત્યાં આજે વહેલી સવારે અચાનક કોઇક કારણસર આગ લાગી ગઇ હતી, જેના કારણે આ આગમાં દસ જેટલી બાઇક સહિતના વાહનો થોડીવારમાં બળીને ખાખ થઇ ગયા હતા. બીજીબાજુ, ઘટનાની જાણ થતા સુરત ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ પર કાબુ મેળવી લીધો હતો.
જા કે, આગને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને આગમાં ખાખ થઇ ગયેલા વાહનોની જવાબદારી કોની તેને લઇને પોલીસ તંત્ર સામે નાગરિકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા, જેથી સમગ્ર મામલો આગામી દિવસોમાં ગરમાય તેવી શકયતા છે.