Western Times News

Gujarati News

સુરત શરાબ પાર્ટી કેસમાં ૩૯ નબીરા જ્યુડિશિયલ કસ્ટડીમાં

Files Photo

અમદાવાદ: સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આશીર્વાદ ફાર્મ હાઉસમાં લીપ યરની પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા લોકોમાંથી પોલીસે ૩૯ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જેની સુનાવણી બાદ કોર્ટે તમામ આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીમાં એટલે કે, જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. બીજીબાજુ, દારૂની આ મહેફિલ માટે દારૂ સપ્લાય કરનાર આરોપી બિપીન પટેલની પણ પોલીસે ધરપકડ કરી લીધી હતી. સમગ્ર રાજયમાં ભારે ચકચાર જગાવનાર સુરતની દારૂની મહેફિલ પ્રકરણમાં પોલીસે ૩૯ નબીરાઓને ગઇકાલે કોર્ટમાં રજૂ કર્યા હતાં, જેમાં કોર્ટે તમામને એક દિવસના રિમાન્ડ આપ્યા હતાં. પ્રોહિબિશનના ગુનામાં એક સાથે ૩૯ નબીરાઓને રિમાન્ડ આપ્યા હોય તેવી આ સંભવતઃ પ્રથમ ઘટના હતી.

આ રિમાન્ડ પુરા થતાં જ પોલીસે તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરીને તમામને જામીન ન આપી જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલીને એક ઉદાહરણ પરૂં પાડવામાં આવે તેવી દલીલ રજૂ કરી હતી. જેથી કોર્ટે એ દલીલ માન્ય રાખીને તમામને જ્યુડીશીયલ કસ્ટડીનો ઓર્ડર કર્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગગન ઢીંગરા નામના યુવકે રૂ.૧૪ હજારમાં ફાર્મ હાઉસ ઓનલાઇન બુક કરાવ્યુ હતું. આ ફાર્મ હાઉસ પારસીની માલિકીનું છે.

પકડાયેલા નબીરાઓ કાપડ-વિવર્સ, બિલ્ડર અને હીરા ઉઘોગ સાથે સંકળાયેલા છે. જયારે યુવતીઓમાં એક ટીચર, પેઇન્ટર, બ્યુટી પાર્લર સંચાલિકા અને બાકીની અન્ય યુવતીઓ અભ્યાસ કરે છે. ચાર પેટીની બિયરના ટીન અને ૩ વિદેશી દારૂની બોટલોની વ્યવસ્થા ગગનએ કરી હતી. પકડાયેલો વિદેશી દારૂ પૈકી મોટેભાગના દારૂ પરમીટનો છે. જેમાં કેટલીક દારૂની બોટલો ગવિયરમાંથી બિપીન પટેલ પાસેથી લવાઈ હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસે દારૂની મહેફિલમાંથી રૂ.૧.૧૦ કરોડનો મુદામાલ કબજે કર્યો છે, તેમાં ૧૪ કારો ૯૭ લાખની કિંમતની, ડી.જેનો સામાન ૩૦ હજાર, દારૂનો માલ ૭ હજાર, ૪૬ મોબાઇલ ૧૩ લાખની કિંમતના સામેલ  છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.