સુરત શહેર પરથી પૂરનું સંકટ ટળ્યું, ઉકાઈ ડેમની સપાટી ઘટી
સુરત, ગુજરાતમાં પહેલા ગુલાબ અને બાદમાં શાહીન વાવાઝોડાની અસરથી ભારે વરસાદ વરસી ગયો છે. ત્યારે આજના લેટેસ્ટ આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૪.૫ ઇંચ વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, દ્વારકા અને કચ્છના લખપતમાં ૨.૫ ઇંચ વરસાદ વરસ્યો છે. તો સુરેન્દ્રનગરના ચોટીલા અને થાનગઢમાં ૨ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૫ તાલુકામાં જ ૧ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
તાપી અને સુરત જિલ્લા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદનું જાેર ઘટતા પાણીની આવકમાં ઘટાડો થયો છે.
હાલ ડેમના ઉપરવાસમાંથી ૧,૪૦,૦૮૩ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો સામે ડેમમાંથી ૭૦,૨૪૮ ક્યુસેક પાણીની જાવક છે. ડેમના ૨૨ ગેટ પૈકી હવે માત્ર ૬ ગેટ ૪ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી ૩૪૨.૫૯ ફૂટ છે. જે ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટથી ૩ ફૂટ નીચે છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા સુરત શહેર પરથી પૂરનું સંકટ ટળ્યું.
મોરબીનો મહાકાય મહાકાય મચ્છુ-૨ ડેમ ૯૫ ટકા ભરાઈ ગયો છે. જેને કારણે મોરબી અને માળીયાના ૩૧ ગામોને એલર્ટ કરાયા છે. મચ્છુ-૧ ડેમ બુધવારે સાંજથી ઓવરફ્લો હોય પાણીની આવક સતત ચાલુ છે. હાલમાં પાણીની આવક, વરસાદ ન હોવા છતા ડેમ છલકાયો છે.
જેથી આજે બપોરના ૧૧.૩૦ વાગ્યા સુધીમાં ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-૧ ડેમ બુધવારે સાંજથી ઓવરફ્લો થઈ રહ્યો છે. છેલ્લા દિવસથી પડી રહેલા વરસાદના લીધે ડેમમાં નવા નીરની આવક સતત વધી રહી છે. મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો થયાના દ્રશ્યો જાેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. હાલમાં પણ ઉપરવાસથી ડેમમાં પાણીની આવક ચાલુ હોય ડેમ ઓવરફ્લો થવાનો ચાલુ છે.
ભાવનગર જિલ્લાના જીવાદોરી શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા ડેમના તમામ દરવાજા ૧૬ ઇંચ બંધ કરાયા છે. અગાઉ ડેમના ૫૯ દરવાજા ૫.૧ ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. હાલ પણ શેત્રુંજી ડેમમા ૪૧૮૯૦ ક્યુસેક ઉપરવાસના પાણીની આવક ચાલુ છે. ડેમના તમામ ૫૯ દરવાજા ૩.૯ ઇંચ ખુલ્લા રાખી ૪૧૮૯૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.HS