સુરત હત્યા કેસમાં કોર્પોરેટર સતિષ પટેલ સહિતના લોકો CCTVમાં નજરે પડ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/06/cctv.jpg)
સુરત, અનલોક ૧.૦ વચ્ચે સુરતના પાંડેસરા વિસ્તાર અંગત અદાવતમાં ચકચારી હત્યા કેસમાં સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહેલી પોલીસને હજી સુધી કોર્પોરેટર સતિષ પટેલની સંડોવણીના કોઇ પુરાવા મળ્યા નથી. બીજી તરફ હુમલામાં ઇજા પામનારે ફરિયાદમાં જે નામ જણાવ્યા હતા તેમની અટકાયત કરી કોવિડ ૧૯નો મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરી લેવામાં આવી છે.
ઘાયલે પોતાના નિવેદનમાં સતિષ નામનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે પરંતુ કોર્પોરેટર સતિષ પટેલની અટકાયત થઈ નથી. આ દરમિયાન સામે આવેલી સીસીટીવી ફૂટેજમાં કોર્પોરેટર ઘટના સ્થળે લગેલા સીસીટીવીમાં નજરે પડી રહ્યા છે. સતિષ પટેલ સહિત ૧૦ થી ૧૨ લોકો બિલ્ડિંગમાંથી બહાર નીકળતા નજરે પડ્યા છે. આ દરમિયાન સતિષ પટેલે પોતાના મોઢા પર રૂમાલ બાંધી રાખ્યો છે.
પાંડેસરા વિસ્તારમાં આવેલા ભેસ્તાન ખાતે ખાતે થોડા દિવસ પહેલા જૂના ઝઘડાની અદાવતમાં મોપેડ સવાર સુજીતસીંગ અને સંગમ પંડિત પર લોખંડના પાઇપ, લાકડાના ફટકા અને ચપ્પુ વડે હુમલો કરી સંગમને મોતને ઘાટ ઉતારવાના પ્રકરણમાં પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે. તેમણે જણાવ્યું હતું કે હુમલા પાછળનું કારણ હજી કંઇ સ્પષ્ટ થયું નથી. પરંતુ સુજીતસીંગે ફરિયાદમાં જે નામ લખાવ્યા હતા તે પૈકી પ્રતીક ઉર્ફે ગંજી, મેહુલ, રાજુ, સતિષ, વિશાલ અને પિનાક પૈકી બે વ્યક્તિનું તો અસ્તિત્વમાં જ નથી. જ્યારે કોર્પોરેટર સતિષ પટેલની સંડોવણીના હજી સુધી કોઇ પુરાવા હાથ લાગ્યા નથી. જેથી પોલીસે હાલના તબક્કે સતિષ પટેલની ધરપકડ કરવાનું ટાળ્યું છે.
કોર્પોરેટર સતિષ પટેલના ડ્રાઇવર પ્રતીક ઉર્ફે ગંજીને માથાભારે ફાઇનાન્સર ચંચલના મિત્ર વિક્કી નામના યુવાન સાથે છેલ્લા ત્રણેક દિવસથી ઝઘડો ચાલી રહ્યો હતો. સુજીત અને સંગમ પર હુમલો કર્યો તેના ગણતરીના કલાકો અગાઉ પ્રતીક તેના મિત્રો સાથે વિક્કીની દાદાગીરીનો જવાબ આપવા ચંચલના ઘરે ગયા હતા. પરંતુ ચંચલ ઘરે ન હતો જેથી તેઓ પરત આવી રહ્યા હતા. બીજી તરફ પ્રતીક તેના મિત્રો સાથે ઘર સુધી પહોંચી ગયાની જાણ થતા ચંચલ તેના મિત્રો કાર અને ચાર મોટરસાઇકલ પર ઘાતક હથિયાર સાથે ભૈરવનગર ખાતે ઘસી આવ્યો હતો. પરંતુ પ્રતીક ૨૦થી ૨૫ના ટોળામાં હોવાથી ચંચલ તેના મિત્રો સાથે ભાગી ગયો હતો.
આ દરમિયાન સુજીતની મોપેડ સ્લીપ થઇ જતા પ્રતીક અને તેના મિત્રોએ ઘાતક હથિયારોથી હુમલો કરી તેને રહેંસી નાંખ્યો હોવાનું ચર્ચાય રહ્યું છે. ઇજાગ્રસ્ત સુજીતસીંગે ચોર સમજીને લોકોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ત્રણ દિવસની તપાસના અંત્તે સુજીતસીંગ અને ફાઇનાન્સર ચંચલનું ક્નેક્શન હોવાની કડી પોલીસને હાથ લાગી છે. જેના પગલે હુમલા પાછળ આકસ્મિક ઘટના નહીં પરંતુ અંગત અદાવતમાં હુમલો કરી ઢીમ ઢાળી દેવાયું હોવાનું સામે આવતા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે પુરાવા એકત્ર કરી જો સંડોવણી બહાર આવશે તો ધરકપકડ કરવામાં આવશે. બીજી તરફ પોલીસે સમગ્ર ઘટના માટે જે જવાબદાર છે તે કોર્પોરેટર સતિષ પટેલના ડ્રાઇવર પ્રતીક ઉર્ફે ગંજી સહિત અન્ય ચારની ધરપકડ કરી લીધી છે.